મીરા માણેક વિશે બધાએ સાંભળ્યું જ હશે. તેઓ લેખિકા, હેલ્થ અને વેલનેસ કોચ અને ચાની બ્રાન્ડ ‘ચાય બાય મીરા’ના સંસ્થાપક છે. તેમણે બે પુસ્તકો ‘સેફ્રોન સોલ’ અને ‘પ્રજ્ઞા’ના પ્રકાશન પછી ત્રીજું પુસ્તક ‘ધ બુક ઓફ ચાયઃ હિસ્ટરી, સ્ટોરીઝ એન્ડ રેસિપીઝ’ લોન્ચ કર્યું છે. આ પુસ્તકમાં તેમણે ભારતીય જીવનમાં વણાઈ ગયેલાં મસાલેદાર અને મજેદાર પીણાં ચા વિશે જ વાતો કરી છે. ચાના સમૃદ્ધ ઈતિહાસ, કહાણીઓ અને તેના સાંસ્કૃતિક આયામોનું સંશોધન કરાયાં સાથે જ આ લોકપ્રિય પીણું કેવી રીતે પરિવાર, ઈતિહાસ અને સંસ્કૃતિને સાંકળે છે તેની યાદગીરી સમાન ‘ચાય સ્ટોરીઝ’ના તાણાવાણા લેખિકાના સંસ્મરણોના આધારે વણાયા છે.
ગુજરાત સમાચાર - Asian Voice સાથે વિશેષ મુલાકાતમાં મીરાબહેને પુસ્તક પાછળની પ્રેરણા, ચાના ઈતિહાસ, વિવિધ પ્રકારની ચા સહિત વાતોનો ભંડાર ખુલ્લો મૂક્યો હતો. મીરા માણેક પહેલાથી જ ચા અને ખાસ કરીને મસાલાઓ નાખી તૈયાર કરાતી મસાલેદાર ચાના પ્રેમમાં હતાં. તેમના પુસ્તકમાં માત્ર ચા નહિ પરંતુ, સમગ્ર ભારત, તેજાના, વાર્તાકથન અને તેમના ઈતિહાસનો પ્રેમ છલકાય છે. આ પુસ્તકમાં તેમનાં દાદીનો ગુજરાતના ગામડાંમાં રહેતાં તેમના નાની સાથેના ઉછેર, માઈગ્રેશન, ઉત્સવો અને ભારતમાં ટ્રેના પ્રવાસની વાતો, લેખન, ભારત અને સંસ્કૃતિ પ્રત્યેની ઉર્મિઓ, આ બધાં જ ચાના કપની આસપાસ કેન્દ્રિત થયેલાં છે.
મીરા માણેકનું પુસ્તક ચાના સમૃદ્ધ ઈતિહાસમાં ડોકિયું કરવાની સાથોસાથ તેમના અને પરિવારના જીવનની અંગત કથાઓ પણ વણી લે છે. તેમણે ‘બુક ઓફ ચાય’ લખવાનો આરંભ કર્યો ત્યારે કોઈ આયાસ વિના જ કથાઓ પ્રવેશતી ગઈ, ભારતમાં પ્રવાસો, ગામડાંની શાંતિ, જૂનાં- નવાં શહેરોની ઉન્મત્ત શેરીઓ, ચાયવાલાના થીએટર્સ, વારાણસીના ઘાટ, કૈલાસયાત્રા, બિહારનો ટ્રેનપ્રવાસ, દાદીની સ્મૃતિઓ ને પ્રવાસોનો ખજાનો અને યાદીનો કોઈ અંત જ નથી. પુસ્તકના પ્રથમ સેક્શનમાં હોવાં છતાં, ચાના અકલ્પનીય ઈતિહાસનો સમાવેશ પાછળથી થાય છે. આ માટે મીરાબહેનને વધુ સંશોધન, વાંચન, ઈતિહાસકારો સાથે મુલાકાતો, ચાના ‘વર્ગીકરણો’ને સમજવા જરૂર પડી હતી. આ પુસ્તક ભારતમાં પ્રવાસો, ચાની સોડમ, મસાલા ચાનો ક્યાં અને ક્યારે ઉદ્ભવ થયો તેમજ ભરપૂર સ્વાદ બક્ષતા નુસખાઓ વિશે જણાવે છે.
પુસ્તકમાં મીરા માણેકનાં ગ્રાન્ડપેરન્ટ્સનો ઉલ્લેખ થતો રહ્યો છે. મીરાબહેનનાં દાદીના માતાપિતા અને ભાઈઓ મોમ્બાસામાં રહેતાં હતાં ત્યારે દાદી ગુજરાતના એક ગામડામાં વસતાં તેમનાં નાની સાથે રહેતાં હતાં. મીરાબહેન દાદીને સતત સવાલો કરતાં હતાં. ગુજરાતના ગામડામાં તેમનાં બાળપણનું આનંદીજીવન, અને સમયાંતરે તેઓ પણ સ્થળાંતર કરી મોમ્બાસા ગયાં, આ બધી વાતો મીરાબહેનને સાંભળવી ગમતી. દાદા ને ત્રણ બાળકો સાથે દાદીની ટ્રેનમાં ભારતયાત્રા, વારાણસીના ઘાટ અને મોડી રાત્રે એક સ્ટેશન પર ચાની માણેલી મોજ, આ બધી જ વાતોમાં ચાનું સ્થાન અનેરું રહ્યું છે. જોકે, આપણી સંસ્કૃતિ ને ઈતિહાસના સમૃદ્ધ વૈભવસત્વને ખુલ્લો મૂકવા, સંસ્મરણોના ખજાનાને ખોલબંધ કરવા માટે પણ ચાનો આધાર લેવાયો છે.
મીરાબહેન માણેકે ‘બુક ઓફ ચાય’ પુસ્તકમાં ચા તૈયાર કરવાની 60થી વધુ રીતો સમજાવી છે ત્યારે વિવિધ વિકલ્પોમાંથી કઈ પદ્ધતિ કે રીતને પસંદ કરવી અને કોને છોડી દેવીની મૂંઝવણ અવશ્ય થઈ હશે. તેઓ કહે છે કે સૌપ્રથમ તો આ રીતો તમારા ઘેર સરળતાથી ચા બનાવી શકો તેને આવરી લે છે. ભારતમાં અલગ અલગ પ્રદેશોમાં ચા બનાવવાની વિવિધ પદ્ધતિઓ, વિવિધ પ્રકારના મસાલા નાખવાથી માંડી તમારા કપ સુધી પહોંચતી ચા દરેક રીતે વૈવિધ્યપૂર્ણ સ્વાદ, સોડમ ને ખુશબુથી પીનારાના દિલોદિમાગને તરબતર કરી મૂકે છે. મીરા માણેકને પીગળેલી ડાર્ક ચોકલેટની સાથે મસાલાનો સમન્વય કરતી આદુવાળી ચોકલેટી ખૂબ જ પસંદ છે! મસાલાથી ભરપૂર વિવિધ પ્રકારની લસ્સી તેમજ પીણાંઓમાં મસાલાનો કેવો અને કેટલો ઉપયોગ કરવો તેની પણ સમજણ આ પુસ્તક પૂરી પાડે છે.
મીરાબહેને ચા અને લસ્સી ઉપરાંત, ખોરાકની વાનગીઓમાં મસાલાના ઉપયોગ વિશે પણ જણાવ્યું છે. કેસરયુક્ત ઓટ્સથી માંડી વરિયાળી સાથે નટ્સ બટર બોલ્સ, પરંપરાગત ખીર સાથે રોટીના ભૂકાનો ઉપયોગ, મસાલા ચાય બેક સહિતની વાનગીઓમાં તેમનું કૌશલ્ય ઝળકે છે. તેમણે ચાની ખુશબુ સાથે માણી શકાય તેવા નાસ્તા-સ્નેક્સની વાનગીઓ પણ પુસ્તકમાં છે. સહેલાઈથી બને તેવો હાંડવો, પકોડા, ચીલી ચીઝ ટોસ્ટ, તોફુ ભુરજી ને બીજી ઘણી અવનવી વાનગીનો સમાવેશ થાય છે. ચાની વાત હોય ને બિસ્કિટને યાદ ન કરાય તે અશક્ય છે. તેમણે ParleG બિસ્કિટ્સનો ઈતિહાસ અને ભારતમાં તેમજ ભારત બહાર વસતા ભારતીયોમાં ચા અને પારલે-જી બિસ્કિટ્સ લોકપ્રિય બની ગયા છે તે પણ સમજાવ્યું છે.
આ પુસ્તક ચાની સંસ્કૃતિને પચાવનારા અને સૌપ્રથમ વખત તેનો અનુભવ મેળવનારા વાચકોના દિલના તાર ઝણઝણાવી મૂકશે તેમાં શંકા નથી.
‘બુક ઓફ ચાય’ પુસ્તક આ વૈવિધ્યપૂર્ણ દેશ પ્રતિ લેખિકાના જોશનું આલેખન કરે છે ત્યારે તે ઈતિહાસ, કથાવર્ણનો અને સફરનામાનું ફ્યુઝન બને છે. સરળ બનાવટની સાથોસાથ સ્વાદ અને સોડમથી ભરપૂર સ્વાદિષ્ટ પીણાં અને અવનવી વાનગીઓનો ખજાનો પેશ કરે છે જે મોટા ભાગે આરોગ્યપ્રદ હોવાનું સંતુલન તેમજ ચીલી ચીઝ ટોસ્ટ અને ગરમાગરમ પકોડા અને ચાયની જુગલબંદી પેશ કરે છે.