નોટબંધીના 8 વર્ષે રૂ. 13 લાખની જૂની ચલણી નોટો ઝડપાઈ

Wednesday 15th May 2024 07:06 EDT
 
 

મોડાસાઃ ભારતીય ચલણમાં 500 અને 1000ના દરની નોટો રદ કરાયા બાદ 8 વર્ષે પણ રદ થયેલી આ નોટોની હેરાફેરી ચાલી રહી છે, ત્યારે માલપુર પોલીસે બાતમીના આધારે જૂની રદ થયેલી 500 અને 1000ના દરની રૂ. 13 લાખથી વધુની કિંમતની ચલણી નોટો ઝડપી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
માલપુર પોલીસને બાતમી હતી કે બાઇક પર કોઈ શખ્સ રદ થયેલી 500 અને 1000ના દરની નોટો લઈને પસાર થવાનો છે. જેના આધારે માલપુર પોલીસ લુણાવાડા રોડ પર આવેલી ચોરીવાડ ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન એક બાઇકચાલકની તપાસ હાથ ધરી હતી, જેમાં એક કાપડના થેલામાંથી રદ થયેલી જૂની 500ના દરની 2292 ચલણી નોટો તથા 1000ના દરની 198 ચલણી નોટ મળી આવી હતી. બાઇક પર ચલણી નોટોની હેરાફેરી કરતો શખ્સ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામનો વતની છે.


comments powered by Disqus