ઇસ્લામાબાદઃ પીઓકેમાં જનતા પોતાના અધિકારો માટે આંદોલન કરી રહી છે. નાગરિકોએ પાકિસ્તાન પોલીસ, પાકિસ્તાન રેન્જર્સ (બોર્ડર પોલીસ) અને સત્તાવાળાઓ દ્વારા થઈ રહેલી ક્રૂરતા તેમજ મોંઘવારી, ગરીબી સહિતના મુદ્દે પાકિસ્તાન સામે બળવો કરી દીધો છે. PoKમાં સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે. અગાઉ બે નાગરિકો માર્યા ગયા હતા, ત્યારે હવે વિફરેલા ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. જેમાં એક પોલીસ કર્મીનું મોત નીપજ્યું હતું, જ્યારે 100થી વઘુ ઘવાયા છે. સ્થાનિકો પાકિસ્તાનથી મુક્ત થઈ ભારત સાથે વિલયની માગ કરવા લાગ્યા છે.
રાવલકોટમાં તો ભારત સાથેના વિલયની માગણી કરતાં પોસ્ટરો પણ લાગ્યાં છે. સ્થાનિકોમાં રોષ એટલો વધી ગયો છે કે તેઓ હવે પોલીસ અને સૈન્ય પર હુમલા કરવા લાગ્યા છે. ઘાટીમાં સૈનિકોને ઘેરીને લોકોએ ધક્કો મારી નીચે પણ ફેંકી દીધા હોવાના વીડિયો સામે આવ્યા છે.
PoKમાં મોંઘવારી, બેકારી, ભારે કર, અનાજની ખેંચ અને પીઓકેમાં ઉત્પન્ન થતી જળવિદ્યુત સ્થાનિકોને આપવાને બદલે પાકિસ્તાન પહોંચાડાય છે. આ કારણે શાંત પ્રદર્શન કરતા સ્થાનિકો પર પાકિસ્તાન પોલીસે લાઠીચાર્જ કરી ટિયરગેસના શેલ છોડ્યા હતા. આ ટિયરગેસને લીધે રાવલકોટમાં બે બાળકીઓનાં મૃત્યુ થતાં પીઓકેમાં ઠેરઠેર હિંસા ફાટી નીકળી હતી.
પીઓકેને મુક્ત કરાવવા ભારત મદદ કરે : સ્થાનિકો
પીઓકેમાં આંદોલન ચલાવનારા એક્ટિવિસ્ટ અમજદ આયુબ મિરઝાએ ભારત સરકારની મદદ માગી છે. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાને કબજે કરેલા જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિથી ભારત પોતાને દૂર ન રાખી શકે. હાલ અમારા નાગરિકો લડાઈ લડી રહ્યા છે. પોલીસ નાગરિકો પર ગોળીઓ વરસાવી રહી છે. સમગ્ર પીઓકેએ સજ્જડ બંધ પાળ્યો છે. ભારતે આ પરિસ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર છે. આ જ સમય છે કે જ્યારે ભારત ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિતના સમગ્ર પીઓકેને આઝાદી અપાવી શકે છે. ભારતે તાત્કાલિક મદદ મોકલવી જોઈએ.
70 લોકોની ધરપકડ બાદ આંદોલન ઉગ્ર બન્યું હતું
પીઓકેમાં હાલ જમ્મુ-કાશ્મીર જોઇન્ટ અવામી એક્શન કમિટી સમગ્ર આંદોલનનું નેતૃત્વ કરી રહી છે. સ્થાનિક વેપારીઓએ સૌથી પહેલાં આંદોલન શરૂ કર્યું, તેમણે મોંઘવારી, ઇંધણ અને વીજબિલના વધારાનો વિરોધ શરૂ કર્યો હતો. જેને અટકાવવા પોલીસે ઘરોમાં જઈને 70 એક્ટિવિસ્ટની ધરપકડ કરતાં સ્થાનિકો વિફર્યા હતા અને આંદોલનને ઉગ્ર સ્વરૂપ આપ્યું હતું.
જે દરમિયાન લાઠીચાર્જ, ટિયરગેસના શેલ છોડાયા અને ગોળીબાર પણ થયો હતો. જેમાં બે સ્થાનિકોનાં મોત બાદ સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે.
તંગદિલી નિવારવા પાકિસ્તાનની રૂ. 23 અબજ તત્કાળ જાહેરાત
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિતિ તંગ બની છે. ઘઉંના લોટ, વીજળીના વધતા દર અને વધુ વેરાદરવી કારણે લોકો રસ્તા પર વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. આ વધતી તંગદિલીને શાંત પાડવા માટે પાકિસ્તાનની સરકારે તત્કાળ રૂ. 23 અબજના પેકેજની જાહેરાત કરી છે.