ગયા સપ્તાહમાં પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં પાકિસ્તાની સરકાર અને સેનાના વિરોધમાં હજારો લોકો સડકો પર ઉતરી આવ્યાં. આ ઘટનાક્રમમાં પીઓકેની જનતાએ ખુલ્લેઆમ ભારત સાથે જોડાઇ જવાના નારા લગાવ્યા. 1971 પહેલાંના વર્ષોમાં પાકિસ્તાની સેના અને સરમુખત્યારોના અત્યાચારના કારણે તત્કાલિન પૂર્વ પાકિસ્તાન અને આજના બાંગ્લાદેશમાં પણ પાકિસ્તાની શાસકો સામે આવો જ કંઇક આક્રોશ પ્રજવલ્લિત થયો હતો. આખરે પાકિસ્તાનના બે ટુકડા થયા અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો. કાળઝાળ મોંઘવારી, પાકિસ્તાની સરકાર દ્વારા થઇ રહેલા અન્યાયના કારણે પીઓકેમાં પણ કંઇક આવા પ્રકારનો જ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ આક્રોશમાં પહેલીવાર પીઓકેની જનતા ભારત સાથે જોડાઇ જવાનું આહવાન કરી રહી છે. તેમણે પાકિસ્તાનની ચુંગાલમાંથઈ મુક્ત થવા માટે ભારતની મદદ પણ માગી છે. શું પીઓકેની જનતાનો આ આક્રોશ ફરી એકવાર પાકિસ્તાનને વિભાજનની દિશામાં દોરી જશે એવો સવાલ અત્યારે મહત્વનો બની રહ્યો છે. અખંડ ભારતમાંથી ધર્મના આધારે છૂટા પડેલો પાકિસ્તાન એક નિષ્ફળ દેશ પાકિસ્તાનમાં દરેક ખૂણો ભડકે બળી રહ્યો છે. બલુચિસ્તાનના રહેવાસીઓ અલગ દેશની માગ કરી રહ્યાં છે તો પખ્તુનો પણ તક મળે પાકિસ્તાનથી અલગ થઇ જવાના ઇરાદા સેવી રહ્યાં છે. આર્થિક દેવાદારીમાં સપડાયેલા પાકિસ્તાનના ભવિષ્યમાં કેટલા ટુકડા થશે એ હાલ તો કહી શકાય તેમ નથી પરંતુ વર્તમાન ઘટનાક્રમ પાકિસ્તાન માટે સુખરૂપ તો નથી જ. ભારતની દેખાદેખી કરીને પરમાણુ ક્ષમતા હાંસલ કરી ચૂકેલા પાકિસ્તાનની જનતા સામાન્ય લોટ માટે પણ વલખાં મારી રહી છે. એશિયામાં ફુગાવાનો સૌથી ઊંચો દર પાકિસ્તાનમાં છે. હવે તો આઇએમએફ જેવી વૈશ્વિક નાણા સંસ્થાઓ પણ પાકિસ્તાનથી હાથ ધોઇ બેઠી છે. દુનિયાભરમાં ભીખનો કટોરો લઇ ફરી રહેલા પાકિસ્તાની શાસકો માટે હવે તો શાસન લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. કદાચને એટલે જ પાકિસ્તાની સેના હવે સત્તાના સૂત્રો પોતાના હાથમાં લેવા તૈયાર નથી. એક પરમાણુ શક્તિ ધરાવતા આટલા બૂરા હાલ વિશ્વમાં કોઇ દેશના થયાં નથી તે એક નરી વાસ્તવિકતા છે.