પાવાગઢઃ યાત્રાધામ પાવાગઢ ખાતે હાલમાં કાર્યરત્ રોપ-વે દુધિયા તળાવ સુધી જાય છે. આ રોપ-વે શ્રદ્ધાળુઓને જ્યાં ઉતારે છે તેની પાસે જ બીજું એક રોપ-વે સ્ટેશન બનાવાશે. નીચેથી દુધિયા તળાવ સુધી આવ્યા પછી જે શ્રદ્ધાળુઓને 449 પગથિયાં ન ચડવા હોય તેમને નવા બનનારા રોપ-વે સ્ટેશનથી છેક મંદિર સુધી રાઇડ મળી શકશે. આ નવી રાઇડની એક કેબિનમાં 8 વ્યક્તિ બેસી શકશે અને આવી આશરે 8 કેબિન રહેશે. આમ નવા રોપ-વેને લંબાવવાને મંજૂરી મળી ગઈ છે.
લિફ્ટથી મંદિર સુધીનો પુલ પણ બનશે
દેશ-વિદેશમાં ઘણાં એવાં દુર્ગમ સ્થળો છે, જ્યાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પહાડોની નીચેથી અથવા બે પહાડોને જોડતા બ્રિજ બનાવાયા છે. ત્યારે 822 મીટરની ઊંચાઈ પર શક્તિપીઠ પાવાગઢ ખાતે રૂ. 6 કરોડના ખર્ચે દૂધિયા તળાવ પાસે બની રહેલી લિફ્ટથી મંદિર પરિસર સુધી 40 મીટર લાંબો અને 5 મીટર પહોળો લોખંડનો બ્રિજ બનાવાશે. આ વિશે સ્ટ્રક્ચર ડિઝાઇનર આઇ.આઇ. પંડ્યાએ જણાવ્યું કે, પાવાગઢ ખાતે દર્શનાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. જે સાથે માઇભક્તોની સગવડ માટે અનેક સુવિધાઓ પણ ઊભી કરાઈ રહી છે. બ્રિજની લંબાઈ 40 મીટર જેટલી હશે અને એકસાથે 2 હજાર લોકો પસાર થઈ શકે તેટલી તેની ક્ષમતા હશે.