નવી દિલ્હીઃ થોડા સમય પહેલાં ફ્રાન્સમાં ઝડપાયેલા વિમાન દ્વારા અમેરિકામાં ઘૂસણખોરીનું નેટવર્ક ઝડપી લેવામાં આવ્યું હતું, આ જ પ્રકારે હવે જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનમાં આવેલા નોર્મન મેન્લી એરપોર્ટ ખાતેથી એક ફ્લાઇટ ઝડપી લેવામાં આવી છે, આ આખી ફ્લાઇટ દ્વારા ભારતીયોને અમેરિકામાં કરાવવામાં આવતી ઘૂસણખોરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ ફ્લાઇટને 2 મેએ ઝડપી લેવામાં આવી હતી. પ્લેનમાં સવાર 218 પૈકી મોટાભાગે ભારતીય અને તેમાં પણ મોટાભાગના ઉત્તર ગુજરાતના લોકો સવાર હતા, જેઓ અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં હતા. આ તમામ મુસાફરોને સ્થાનિક હોટેલમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ફ્લાઇટ દુબઈથી ઊપડી હતી, પ્લેન જર્મન કંપનીનું
ઘૂસણખોરી કરાવનારી આ ફ્લાઇટ દુબઈથી ઊપડી હતી અને ઇજિપ્તના કેરો એરપોર્ટ ખાતે રોકાઈ હતી, જ્યાંથી ઉઝબેકિસ્તાનના નાગરિકો એમાં ગોઠવાયા હતા. બાદમાં આ ફ્લાઇટ જમૈકા પહોંચી હતી, જ્યાં ઓફિસરોને ગરબડની જાણ થઈ હતી. આ ફ્લાઇટ મૂળ જર્મન કંપની યુએસસી (યુનિવર્સલ સ્કાય કરિયર)નું ચાર્ટર્ડ પ્લેન એરબસ A340 છે અને એમાં જર્મન ક્રૂ મેમ્બર હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે જમૈકન તંત્રની સાથે જર્મન એમ્બેસી અને ભારતીય એમ્બેસી પણ તપાસમાં જોડાઈ છે.
મુસાફરોને હોટેલમાં લઈ જવાયા
પ્રાથમિક તપાસમાં મુસાફરો પાસે જરૂરી દસ્તાવજો ન મળતાં જમૈકાના સત્તાવાળા હરકતમાં આવ્યા હતા. એરપોર્ટ પર આટલા બધા મુસાફરોને રાખવા ડિટેન્શન સેન્ટર કે રિમાન્ડ રૂમ ન હોવાથી તેમને હોટેલ લઈ જવાયા હતા. મુસાફરોને કિંગ્સ્ટનની ફોર સ્ટાર હોટેલ રોકમાં રાખવામાં આવ્યા હતા. જો કે દરમિયાન કેટલાક પેસેન્જર હોટેલની બહાર ફરતાં તેમજ શોપિંગ કરતા જોવા મળ્યા હતા.
ગુજરાતના 4 એજન્ટો શંકાના ઘેરામાં
સૂત્રોના કહેવા મુજબ પ્લેનમાં સવાર 218 મુસાફરો પૈકી મોટાભાગના ભારતીય છે. એમાં પણ મોટાભાગના ઉત્તર ગુજરાતના લોકોનો સમાવેશ થાય છે. આ લોકોને ઘુસાડવામાં 4 ગુજરાતી એજન્ટની ભૂમિકા સામે આવી છે. અમેરિકામાં ઘૂસવાના ચાલતા નેટવર્કમાં સંડોવાયેલા આ ચાર એજન્ટો તેના ઉપનામથી જાણીતા છે, જેમાં શંકરપુરાનો ઘનશ્યામ, હસમુખ બિલાડી, રવિ મોસ્કો અને બોબી બ્રાઝિલ સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે.
પ્લેન પાસે લેન્ડ કરવાની મંજૂરી નહોતી
જે પ્લેન જમૈકા આવ્યું એની પાસે ત્યાં લેન્ડ કરવા માટે કોઈ મંજૂરી કે દસ્તાવેજ જ નહોતા. એમ છતાં કોઈ કારણોસર એરપોર્ટ ઓફિસરોએ પ્લેનને લેન્ડ કરવાની મંજૂરી આપી હતી.
અમેરિકામાં ઘૂસવા કેરેબિયન કન્ટ્રી સોફ્ટ ટાર્ગેટ
અત્રે ઉલ્લેખનીય છે કે, જમૈકા એ એક નાનું કેરેબિયન કન્ટ્રી છે. ઘણા કબૂતરબાજો અમેરિકામાં ઘૂસવા માટે અમેરિકાની નીચે આવેલા નાના દેશોના વિઝિટર વિઝા લે છે, જે સરળતાથી મળે છે. જમૈકા પણ આવો જ એક દેશ છે. અહીં પહોંચી ગયા બાદ તેઓ કોઈપણ રીતે દરિયા કે જમીનના રસ્તે મેક્સિકો સુધી પહોંચે છે અને ત્યાંથી અમેરિકામાં ઘૂસે છે.
પાંચ મહિના પહેલાં ફ્રાન્સમાં પ્લેન ઝડપાયું હતું
નોંધનીય છે કે પાંચ મહિના પહેલાં ફ્રાન્સમાં પણ આવી ઘટના સામે આવી હતી. 303 મુસાફરો સાથેનું પ્લેન રોકી દેવામાં આવ્યું હતું. આ પ્લેન દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. જ્યાં ફ્રાન્સ ઓથોરિટીને શંકા જતાં તપાસ કરાતાં માનવ તસ્કરી થતી હોવાનું સામે આવ્યું હતું. થોડાક દિવસ મુસાફરોને રોકી પૂછપરછ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. ફ્રાન્સે માનવ તસ્કરીના બદલે વાયોલેશન ઓફ ઇમિગ્રેશન રૂલ્સ સંદર્ભે કેસ નોંધ્યો હતો, જેના કારણે 303 પૈકી 276 લોકોને ભારત પાછા મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 25 લોકોએ ફ્રાન્સમાં આશ્રય માગ્યો છે.
જમૈકામાં હોબાળો મચી ગયો
આ પ્રકરણ બહાર આવ્યા બાદ જમૈકામાં હોબાળો મચી ગયો છે. ત્યાંના રાજકીય આગેવાનો આ ઘટનાને નેશનલ સિક્યોરિટી બ્રીચ તરીકે માને છે. આ અંગે જમૈકાના વિરોધપક્ષ પીપલ્સ નેશનલ પાર્ટીએ ફ્લાઇટને ભાડે આપવા માટે જવાબદાર વ્યક્તિઓ અથવા સંસ્થાઓની ઓળખ જાહેર કરવાની તેમજ મુસાફરોને શા માટે ઉતારવાની મંજૂરી આપવામાં આવી એની માહિતી જાહેર કરવા માગ કરી હતી.
થોડા સમય પહેલાં ફ્રાન્સમાં ઝડપાયેલા વિમાન દ્વારા અમેરિકામાં ઘૂસણખોરીનું નેટવર્ક ઝડપી લેવામાં આવ્યું હતું, આ જ પ્રકારે હવે જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનમાં આવેલા નોર્મન મેન્લી એરપોર્ટ ખાતેથી એક ફ્લાઇટ ઝડપી લેવામાં આવી છે, આ આખી ફ્લાઇટ દ્વારા ભારતીયોને અમેરિકામાં કરાવવામાં આવતી ઘૂસણખોરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ ફ્લાઇટને 2 મેએ ઝડપી લેવામાં આવી હતી. પ્લેનમાં સવાર 218 પૈકી મોટાભાગે ભારતીય અને તેમાં પણ મોટાભાગના ઉત્તર ગુજરાતના લોકો સવાર હતા, જેઓ અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં હતા. આ તમામ મુસાફરોને સ્થાનિક હોટેલમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.