રાજકોટઃ ઇફ્કોના ગુજરાતના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા વિજેતા થયા. જયેશ રાદડિયાનું મંત્રીપદ ગયું અને તેમને પોરબંદર લોકસભાની ટિકિટ ન મળી એટલે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી તેમના માટે ‘ડુ ઓર ડાઇ' જેવી હતી. બે ટર્મથી ડિરેક્ટરપદે રહેલા રાદડિયા આ પદ બચાવવા કેન્દ્રીય નેતાઓના શરણે ગયા હતા અને ત્યાંથી તેને રાહત મળી હતી. મેન્ડેટ આપનારા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને સીધી ચેલેન્જ આપી ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ કેન્દ્રીય નેતાગીરી સમક્ષ બળાપો ઠાલવેલો અને ખુદ જયેશ રાદડિયાએ પણ કેન્દ્રીય ગૃહમંત્રી તાજેતરમાં ચૂંટણી સભા વખતે તેમના નિવાસસ્થાને આવ્યા ત્યારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ઇફ્કોના ડિરેક્ટરપદે જયેશ રાદડિયાએ ટર્મ પૂરી થતાં ફોર્મ ભર્યું ત્યાં સુધી બધું રૂટિન ચાલતું હતું, પરંતુ 3 દિવસ બાદ પ્રદેશ ભાજપે સહકાર સેલના સંયોજક બિપીન ગોતાને મેન્ડેટ જાહેર કરતાં ખળભળાટ મચી ગયેલો. આમ પત્તું કપાતાં આ વખતે પાર્ટી લાઇનને ફગાવી તેમણે ઉમેદવારી ચાલુ રાખી.
દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેનપદે બિનહરીફ
ઇફકોના ચેરમેનપદે દિલીપ સંઘાણી બિનહરીફ થયા છે. તેમની સાથે બીજી ટર્મમાં વાઇસ ચેરમેન પદે બલવીરસિંઘની નિયુક્તિ થઈ છે. આ અંગે સહકારી અગ્રણી બિપીન પટેલે તેમને અભિનંદન પાઠવવાની સાથે કટાક્ષમાં કહ્યું હતું કે, જ્યારે પાર્ટીએ સંઘાણીને વિધાનસભાની ટિકિટ આપી હતી, ત્યારે તેઓ વિજયી બન્યા હોત તો આનંદ થયો હોત.