નવી દિલ્હીઃ ભારતમાં 1950થી 2015ની વચ્ચેના 65 વર્ષના સમયગાળા દરમિયાન બહુમતી હિન્દુ સમુદાયની વસ્તીમાં ભારે પડતી જોવા મળી છે. આ સમયગાળામાં દેશની વસ્તીમાં હિન્દુ સમુદાયની ભાગીદારીમાં 7.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એટલું જ નહીં પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા અન્ય દેશોની તુલના કરીએ તો ત્યાં બહુમતી મુસ્લિમની વસ્તીમાં ભાગીદારી ઝડપથી વધી છે.
એક અભ્યાસ અનુસાર એક તરફ ભારતમાં હિન્દુ સમુદાયની વસ્તીમાં ભાગીદારી ઘટી રહી છે તો બીજી તરફ લઘુમતી સમુદાયો મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ અને શીખ સમુદાયની વસ્તીમાં વધારો થયો છે, જ્યારે હિન્દુઓ ઉપરાંત જૈન અને પારસી સમુદાયની વસ્તીમાં પણ આ સમયગાળામાં ઘટાડો જોવા મળ્યો છે. અભ્યાસ અનુસાર આ સમયગાળા દરમિયાન દેશમાં મુસ્લિમ સમુદાયની વસ્તીમાં 4.25 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ખ્રિસ્તી સમુદાયની વસ્તી 5.38 ટકા વધી છે. શીખોની વસ્તીમાં 6.58 ટકાનો વધારો જોવા મળ્યો છે. જૈન અને પારસીઓની વસ્તી ઘટી છે તેવું ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલ ટુ પીએમ દ્વારા જણાવાયું છે.
હિન્દુઓની વસ્તી 85 ટકાથી ઘટી 78 ટકા થઈ
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 1950માં ભારતની વસ્તીમાં હિન્દુ સમુદાયની ભાગીદારી 85 ટકા હતી. હવે દેશમાં હિન્દુઓની વસ્તી 78 ટકા જ રહી ગઈ છે. આમ હિન્દુઓની વસ્તીમાં 7.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 65 વર્ષ પહેલાં ભારતની વસ્તીમાં મુસ્લિમ સમુદાયની હિસ્સેદારી 9.84 ટકા હતી, જે હવે વધીને 14.09 ટકા થઈ ગઈ છે મ્યાનમાર બાદ ભારત પોતાના આસપાસના દેશોમાં બીજા નંબરે છે, જ્યાં દેશના બહુમતી સમાજની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે.