- ગુરુવાર તા.૮ મે’૨૪ના બપોરે યુ.કે. એશિયન વુમન’સ ક્લબે નોબેલ પ્રાઇઝ વિજેતા મહાન સાહિત્યકાર કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ ઉજવી જેમાં ૧૦૦ થી વધુ બહેનોએ હાજર રહી ‘ગીતાંજલિ’ના અંગ્રેજી-ગુજરાતી કાવ્યોનો આસ્વાદ માણ્યો અને એમના જીવનની ઝરમરનો ગુણાનુવાદ કરી એ દિવસને યાદગાર બનાવી દીધો. શ્રી ટાગોરની પ્રતિભા નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, નિબંધકાર, પેઇન્ટર, સંગીતકાર, વિદ્વાન, ફીલોસોફર તરીકે વિશ્વવિખ્યાત છે.
આવા બહુપ્રતિભાધારી ભારતીય સાહિત્યના ગ્રેટેસ્ટ રાઇટરને યાદ કરવાની એશિયન વુમન્સ ક્લબના પ્રસિડેન્ટ વર્ષાબહેન બાવીસીની સૂઝ દાદ માગી લે તેવી છે. એ સાથે જ કમિટીબહેનોનો સહકાર તેમજ સભ્યોનો ઉત્સાહ સરાહનીય છે.
પ્રમુખ શ્રીમતી વર્ષાબહેને સૌને આવકારતા ટાગોર જયંતિ મહોત્સવ ઉજવવા વિષયક પૂર્વભૂમિકા રજુ કરી.
આ પ્રસંગે ગુજરાત સમાચારના કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સનાબહેન શાહ, કવયત્રિ ભારતી પંકજ વોરા, ઇલાબહેન (કવિશ્રી ડાહ્યાભાઇ પટેલની સુપુત્રી) પ્રસંગોચિત માહિતી અને કાવ્ય પઠન કરી સૌને ટાગોર યુગમાં લઇ ગયા.
તેમજ બંગાળમાં ઉછેરેલ ક્લબના સભ્ય શ્રીમતી સરોજબહેન અગ્રવાલે બંગાળી મ્યુઝીક અને ‘એકલા ચાલો રે..’ગીત સંગીતસહ સંભળાવી એનો ભાવાર્થ સમજાવ્યો.
૭ મે ૧૮૬૧માં કલકત્તા ખાતે ધનાઢ્ય બંગાળી કુટુંબમાં માતા શારદાદેવી અને પિતા દેવેન્દ્રનાથના ઘરે રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો. ૮ વર્ષની નાની વયથી જ એમણે કાવ્ય સર્જનથી સાહિત્ય યાત્રા શરૂ કરી. પ્રથમવાર બિન-યુરોપીયન તરીકે ૧૯૧૩માં આપણા કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરને એમના ‘ગીતાંજલિ’ પુસ્તક માટે નોબેલ પ્રાઇઝ મળ્યું એ ભારતીયો માટે ગૌરવમયી પળ હતી. તેમણે ૩૦૦૦ પેઇન્ટીંગ્સ અને ૨૨૩૦ કવિતાઓ રચી હતી. ૧૯૧૫માં ‘નાઇટહુડ’નો પ્રતિષ્ઠિત ખિતાબ પણ એમને મળ્યો હતો. તેમણે ભારત સહિત બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રીય ગીતો પણ રચ્યાં હતાં. તેમના કાવ્યોમાં માનવતા, સુંદરતા અને પ્રાકૃતિક વૈભવ, પ્રભુપ્રેમ આદી પડઘાય છે. ટાગોરનું બંગાળી ભાષામાં લખાણ ‘રવિન્દ્ર રચનાવલિ’ને બંગાળના મહાન સાંસ્કૃતિક ખજાનામાંનું એક ગણવામાં આવે છે. ઘણી બધી વિદેશી ભાષાઓમાં એમના સંગ્રહોના અનુવાદ થયા છે. તેમના વાર્તા સંગ્રહ ‘ગોલ્પો ગુચચ્છો’માંની વાર્તા પર સત્યજીત રે એ ‘ચારૂલતા’ ફિલ્મ બનાવી હતી.
આ બધી વાતો કરવા બેસીએ તો દિવસોના દિવસો વહી જાય તો ય ઓછા પડે!
બંગાળી અને ગુજરાતી સંબંધોના સૂત્રધાર હતા ગાંધીજી. એના કારણે જ ટાગોરે ૧૯૨૦માં ગુજરાતની મુલાકાત લીધી પછી ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં બંગાળી ભાષા શિક્ષણને દાખલ કરાયું હતું. પ્રથમ બે ગુજરાતીઓ શ્રી ક્રિષ્ણાલાલ શ્રીધરાણી અને પ્રહ્લાદ પારેખે શાંતિનિકેતનમાં અભ્યાસ કર્યો હતો. કોલકત્તાથી શાંતિનિકેતન સુધીના રવિન્દ્ર પથની પરિક્રમા કર્યાની અનુભૂતિ ઉપસ્થિત સૌને થઇ.
એ જમાનાના અનેક ગુજરાતી કવિઓના કાવ્યોમાં રવિન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ છે. જેમાં આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોષી, સુન્દરમ્, સ્નેહ રશ્મિ, નિરંજન ભગત, સુરેશ જોષી વગેરેનો સમાવેશ થાય છે.
કવિ સુન્દરમે કરેલ ગુજરાતી ભાવાનુવાદ કરેલ કાવ્ય:
પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ,
પૃથ્વીઉરથી ઊઠે કોનો પુલકિત, સુરભિત, મુખરિત શ્વાસ?
કોના કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ?
પર્વતના શિખરે બેસી કોણ સનાતન જોતું વાટ?.
છેલ્લે ગુરૂદેવ રચિત ભારતીય રાષ્ટ્રીયગાન ‘જન ગણ મન..’થી કાર્યક્રમનું સમાપન થયું..