અમદાવાદઃ રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી 40થી 42 ડિગ્રી ગરમીની વચ્ચે મધ્યપ્રદેશમાં સર્જાયેલા ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં 40થી 50 કિ.મી. ઝડપે ફૂંકાયેલા પવન સાથે ગાજવીજ માવઠું તૂટી પડ્યું હતું. અમરેલીમાં સવા ઇંચ વરસાદ ખાબકતાં અનેક સ્થળે વૃક્ષો અને વીજપોલ ધરાશાથી થયાં હતાં, જ્યારે આણંદ- વડોદરા, હિંમતનગરમાં ઘણી જગ્યાએ વીજળી પડતાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. એકાએક તૂટી પડેલા માવઠાથી લોકોએ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો. જો કે માવઠાને કારણે કેરી અને ઉનાળુ પાકને નુકસાન થયું છે.
સુરેન્દ્રનગર, હિંમતનગર અને અરવલ્લીના માલપુરમાં વીજળી પડતાં 3 વ્યક્તિનાં મોત થયાં હતાં, જ્યારે એક મહિલાનું ઝૂંપડાં નીચે દટાઈ જતાં મોત થયું હતું.
હિંમતનગરના આગિયોલમાં પતરું પડતાં મહિલાનું મોત નીપજ્યું હતું. માલપુર વીજળી પડતાં યુવકનું મોત નીપજ્યું હતું. સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાનાં સુજાનગઢ ગામે ખેતરમાં કામ કરી રહેલાં ચંદ્રિકાબહેન ઉદેશા પર વીજળી પડતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે હિંમતનગરમાં બે વેપારીને કરંટ લાગ્યો હતો.