અમદાવાદઃ અમદાવાદની એકસાથે 25થી વધુ આંગડિયા પેઢી પર દરોડા બાદ હવે સીઆઇડી ક્રાઇમ વિદેશમાં છુપાઈને બેઠેલા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાની તૈયારીમાં લાગી છે. હાલમાં અમદાવાદના સી.જી. રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં દરોડા પાડીને કબજે કરાયેલા મોબાઇલ ફોન અને ડોક્યુમેન્ટને એફએસએલમાં મોકલી આપ્યા છે, જેના એનાલિસિસ બાદ નવી ચોંકાવનારી હકીકતો સામે આવી તેવી શક્યતા છે.
છેલ્લા કેટલાય સમયથી ક્રિકેટ સટ્ટા રેકેટના સૂત્રધારો અમિત મજેઠિયા, આર.આર. અને મહાદેવ વિદેશમાં રહીને પોતાનુ સટ્ટા નેટવર્ક ચલાવી રહ્યા છે. હવે તેમના પર રેડ કોર્નર નોટિસ મારફતે સકંજો કસવાની તૈયારી શરૂ કરાઈ છે.
ડમી એકાઉન્ટથી રૂ. 1195 કરોડના વ્યવહાર
સીઆઇડી ક્રાઇમને અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢમાં રહેતા કેટલાક લોકોનાં 35 જેટલા ડમી એકાઉન્ટ મળી આવ્યાં હતાં. આ તમામ બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 1195 કરોડના આર્થિક વ્યવહારો માત્ર અઢી વર્ષના સમયગાળામાં થયા હતા. જેની તપાસમાં આંગડિયા પેઢીનું કનેક્શન સામે આવ્યું છે.