અંબાજીઃ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ગ્રિષ્મકાળે સ્વયં સૂર્યનારાયણ મા આદ્યશક્તિનાં દર્શન કરી રહ્યા છે, જે માટે અખાત્રીજથી બે માસ માટે મંદિરમાં આયના દ્વારા સૂર્યપ્રકાશ મા અંબાના મુખારવિંદ પર પાડવામાં આવી રહ્યો છે.
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્રસમા શક્તિપીઠ અંબાજી મંદિર કે જ્યાં મા અંબાના દિવસ દરમિયાન ત્રણ સ્વરૂપ અને સાતેય દિવસ વિવિધ સવારી પર આરૂઢ મા શક્તિનાં દર્શન થાય છે. ત્યારે વર્ષ દરમિયાન બદલાતી ઋતુ અનુસાર માતાજીની પૂજાવિધિમાં પણ ફેરફાર કરાય છે. જ્યાં ગ્રિષ્મ કાળે તો બે માસ સુધી સ્વયં સૂર્યનારાયણ પણ માતાજીનાં દર્શન કરે તેવી પ્રાચીન પ્રણાલી અને માન્યતા સમાયેલી છે.
અહીં બપોરે આરતી સમયે ચાચરચોકમાંથી પૌરાણિક દર્પણ દ્વારા સૂર્યપ્રકાશને જીલી મા અંબાના મુખારવિંદ પર ક્ષણિક સમય માટે પાડવામાં આવે છે. જો કે આ વિધિ પણ રજવાડાના સમયથી દાંતાના ભાટિયા પરિવાર દ્વારા કરાઈ રહી છે. આ અંગે મંદિરના પૂજારી ભરતભાઈ પાદ્યાએ જણાવ્યું હતું કે, ‘ગ્રિષ્મ ઋતુમાં મા અંબાને પણ ગરમી ના લાગે તે માટે દિવસમાં ત્રણ વાર માતાજીનો શણગાર અને આરતી કરાય છે.