સુરતઃ કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા નિલેશ કુંભાણીનું નામાંકન રદ થયા બાદ કોંગ્રેસ પાર્ટીએ તેમના પર કાર્યવાહી કરતાં 6 વર્ષ માટે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ અંગે નિલેશ કુંભાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં તેમણે પોતાનો પક્ષ રાખતાં જણાવ્યું કે, ગદ્દારી મેં નથી કરી, પરંતુ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ મારી સાથે કરી છે.
ઉલ્લેખનીય છે કે, ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી 21 એપ્રિલથી ગાયબ થઈ ગયા હતા. જે બાદ શુક્રવારે અચાનક પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે જણાવ્યું કે, જે કંઈ પણ થયું તેના માટે કોંગ્રેસ પાર્ટી પોતે જવાબદાર છે. મેં કોઈ ગદ્દારી નથી કરી, પરંતુ કોંગ્રેસના નેતાઓએ મારી સાથે ગદ્દારી કરી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મને કોંગ્રેસે વિધાનસભાની ટિકિટ આપી હતી અને મેન્ડેટ પણ આપ્યું હતું, પરંતુ ફોર્મ ભરતાં સમયે મારો મેન્ડેટ કોઈ અન્ય ઉમેદવારને આપવામાં આવ્યો હતો, તેને ગદ્દારી કહેવામાં આવે છે.
સુરતમાં લોકસભા ચૂંટણીમાં મને ટિકિટ મળ્યા બાદ પ્રચાર શરૂ કરી દીધો હતો. સભાઓ કરી રહ્યો હતો અને તમામ કામ યોગ્ય થઈ રહ્યાં હતાં, પરંતુ સુરતના કેટલાક કોંગ્રેસી નેતાઓને આપ સાથેનું ગઠબંધન પસંદ આવ્યું નહોતું. તેમને સમજાવવા છતાં 1થી 5 સ્થાનિક કોંગ્રેસ નેતા ન માન્યા, કારણ કે તેમને લાગતું હતું કે, આપણે સારી મહેનત કરી રહ્યા છીએ, માટે તેમણે પ્રચારમાં આવવાનું બંધ કર્યું અને કાર્યકરોને પણ પ્રચારમાં આવવા ઇનકાર કર્યો હતો.