પહેલી મે ‘ગુજરાતના સ્થાપના દિન’ની ઉજવણી આપણે પરદેશની ભૂમિ પર રહીને કરી એનો અનહદ આનંદ. માતૃભૂમિ માટે આપણા હ્દયમાં રહેલી લાગણીઓને વાચા આપતાં અને આપણી અસ્મિતાની યાદ અપાવતાં કાર્યક્રમો માણવાનો મોકો મળ્યો
એને શબ્દોમાં વ્યક્ત કરવાનું સાહસ કરું છું.
બુધવાર તા. 1 મે ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (NCGO)ના ઉપક્રમે હેરોના બ્લ્યુ રૂમમાં સરસ રીતે થઇ. મોટી સંખ્યામાં લાંબો પ્રવાસ ખેડી ગુજરાતીઓ અને બિનગુજરાતીઓ તથા વિવિધ ક્ષેત્રના અનેક અગ્રણીઓએ ઉપસ્થિત રહી આ પ્રસંગને માણ્યો, શોભાવ્યો હતો. રાષ્ટ્રીય શાયર મેઘાણીજીને યાદ કર્યા અને ગરબા વિના ગુજરાત દિનની ઉજવણી અધૂરી કહેવાય!
NCGOના પ્રમુખ શ્રી વિમલજી ઓડેદરા અને કમિટી સભ્યોએ આ પ્રોગ્રામનું આયોજન સુંદર રીતે કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના અને એ અંગેની માહિતી તંત્રી શ્રી સી.બી. પટેલ અને સંગતના કાન્તી નાગડા આદીએ આપી. એમાં એમ.પી. ગેરેથ થોમસ, બોબ બ્લેકમન, બેરી ગાર્ડીનર, કીથ વાઝ વગેરેના વક્તવ્યોમાં ભારતીયોનો રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં આપેલ યોગદાનની વાતો સાંભળી ગર્વ થયું.
આપણે ભારતીયો મારામારી કે લૂંટફાટમાં નથી માનતા એની બ્રિટિશરોને બરાબર ખબર છે. એટલે જ એક હિન્દુ બ્રિટનના વડાપ્રધાન બની શક્યા. બ્રિટીશ પ્રજાએ પણ આપણા ઋષિ સુનાકનો સ્વીકાર વડાપ્રધાન તરીકે કર્યો. સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો. સ્વાદિષ્ટ શાકાહારી ભોજન લઇ સંતોષનો ઓડકાર સહ અગત્યનો પ્રસંગ જોવા-જાણવાનો લ્હાવો લઇ વિદાય લીધી. ઘણાં મહાનુભાવો અને જૂના મિત્રો મળ્યા તેનો પણ આનંદ થયો. આયોજકોને અભિનંદન.
ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી
પી.કે. લહેરીનું માર્મિક વક્તવ્ય
ગુરુવાર તા. 2 મે 2024ની બપોરનો ‘સોનેરી સંગત’નો કાર્યક્રમ અદ્ભૂત રહ્યો. જેમણે આ કાર્યક્રમમાં ભાગ ન લીધો તેઓએ ઘણું ગુમાવ્યું! મહારાષ્ટ્રથી ગુજરાત કઇ રીતે અલગ રાજ્ય થયાની કેટલીક માહિતી મને તો નથી ખબર; પણ મારા મતે ગુજરાતમાં રહેનારા કેટલાય એનાથી અજાણ હશે. ખાસ કરીને પી.કે. લહેરી સાહેબે એમની આગવી શૈલીમાં પ્રસ્તુત કરેલ માહિતીમાં જાતે જોયેલ, જાણેલ અને અનુભવેલ ‘ગુજરાત દર્શન’ કરાવ્યું.
કેટકેટલા રાજકીય અગ્રણીઓએ, નેતાઓએ ગુજરાતના નિર્માણમાં ભેખ ધર્યો એની રોચક વાતો કરી અને નરેન્દ્ર મોદીજી આવ્યા પછી તો રાજ્ય અને બાદમાં દેશની સકલ બદલાઇ ગઇ. માની ન શકાય એવી અદ્ભૂત ક્રાંતિ વેપાર-વાણીજ્ય, ઉદ્યોગ-ધંધા, પ્રવાસ, રોડ, મેડીકલ, યાત્રાધામોના વિકાસ વગેરે અનેક ક્ષેત્રે ઉન્નતિ કરી દુનિયાના નક્શા પર ભારતને ગૌરવ અપાવ્યું.
કાશ્મીર મુદ્દે 370મી કલમ હટાવી માન્યામાં ન આવે તેવી સિદ્ધિ મેળવી. શરૂઆતમાં થોડો ઉહાપોહ થયો, વિરોધીઓનો ચંચુપાત વગેરે ધીરે ધીરે થાળે પાડવામાં કામયાબ રહ્યા. ઔદ્યોગિક ક્રાંતિમાં ઉદ્યોગપતિઓ જે.આર.ડી. તાતા અને ગૌતમ અદાણીને યાદ કર્યા. ગુજરાતની અસ્મિતા માટે લખીએ એટલું ઓછું છે! પી.કે. લહેરી સાહેબે રજૂ કરેલ ગુજરાતની ઝલક; ચિંતન, મંથન અને અનુભવનો નિચોડ ગૌરવભર્યા ઇતિહાસનો હિસ્સો હોવાનું માન ઉપજાવે તેવું રહ્યું.
મહારાષ્ટ્ર મંડળના પ્રમુખ વૃષભભાઇએ ખરેખર આંચકો આપ્યો કે એની શરૂઆત છેક 1932માં થઇ હતી. મહારાષ્ટ્ર મંડળના સેન્ટરમાં મેં અને મારા મિત્રોએ કેટલાક મરાઠી નાટકો માણ્યા છે. ખરેખર એ સરસ હોય છે. ગણેશોત્સવમાં પણ ગયા છીએ. તેમણે જણાવ્યું એમ ખૂબ જ શિસ્તબધ્ધ રીતે વિવિધ કાર્યક્રમો ત્યાં થાય છે. તેમની પ્રવૃત્તિમાં થયેલ વધારાની જાણ થઇ.
ભાજપના શ્રી દિપકભાઇ પટેલ હાલ ભારતની ચૂંટણીઓમાં ભાગ લેવા ગયા છે તેમની ગેરહાજરીમાં શ્રી સ્નેહલ મહેતાએ ગુજરાતમાં ભાજપની સિદ્ધિની સરસ જાણકારી આપી.
શ્રી વિનુભાઇ સચાણિયા પણ ઘણાં કાર્યરત છે. એમના પત્રો તો ગુજરાત સમાચારમાં નિયમિત વાંચીએ છીએ પરંતુ સોનેરી સંગતમાં એમની વર્ષોની કાર્યરતતાનો પરિચય થયો.
અને હા, માયા દિપકે નર્મદને યાદ કર્યા અને એમની રચના સંભળાવી તે તો સોનામાં સુગંધ ભળી. ગુજરાતી અસ્મિતા અને ગુજરાતની ઝલકના સરસ રીતે થયેલ વિચારવિમર્શ અને જ્ઞાનવર્ધક માહિતી સોનેરી સંગતમાં રસસભર રહી. સી.બી., તમારો આભાર આ સોનેરી સંગત માટે. સૌ વાચકોને નમ્ર વિનંતી કે દર ગુરુવારે જુદા જુદા વિષયો પર પ્રસ્તુત થતી આ સોનેરી સંગત ઘરે બેઠાં જોવાનો લ્હાવો ચૂકતાં નહિ!