સુરતઃ શહેરના એક આર્ટિસ્ટ દ્વારા રતન ટાટાને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વિપુલ જેપીવાલા દ્વારા રતન ટાટાનું એક પોર્ટ્રેટ બનાવવામાં આવ્યું છે, જેમાં 11 હજાર અમેરિકન ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પોર્ટ્રેટ થોડા દિવસ પહેલાં જ ત્રણ દિવસ માટે તાજ હોટેલમાં મૂકવામાં આવ્યું હતું. હાલ તો આ પોર્ટ્રેટ તેમની શ્રદ્ધાંજલિરૂપ બની ગયું છે.
સુરતમાં રહેતા વિપુલ જેપીવાલા એક આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર છે. વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા વિપુલ જેપીવાલા જણાવે છે કે, ‘ખરાબ સમય સારું શીખવાડી શકે છે. લોકડાઉનના કપરા સમયમાં વિપુલભાઈએ તેમની કળાને અલગ-અલગ માધ્યમથી ચકાસી, જેમાં જરીઉદ્યોગ માટે જાણીતા સુરતની જૂની કળાને અલગ જ રૂપ આપ્યું. જરીના માધ્યમથી બનાવેલાં પોર્ટ્રેટ ખૂબ વખણાયાં અને તેમણે માધુરી દીક્ષિત, હિમેશ રેશમિયા સહિતના કલાકારોને તેમનાં જ પોર્ટ્રેટ આપીને નામના મેળવી છે.