અંકલેશ્વરઃ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરથી દિલ્હી અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત ઑપરેશન કરીને રૂ. 5 હજાર કરોડનું કોકેઇન જપ્ત કરાયું. તાજેતરના ઇતિહાસમાં આ સૌથી મોટી ડ્રગ્સની રેઇડ છે. જીઆઇડીસીમાં પ્લોટ નં.3708માં આવેલી આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે દિલ્હી અને ગુજરાત પોલીસના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરાઈ હતી.
દિલ્હી અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા વધુ એકવાર સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાં સર્ચ દરમિયાન રૂ. 5000 કરોડનું કોકેઇન મળતાં તેને જપ્ત કરવામાં આવ્યું છે. આ દરોડા દરમિયાન 1,289 કિલો કોકેઇન અને રૂ. 13,000 કરોડની કિંમતનો 40 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો.
1 ઓક્ટોબરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હી મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડો પાડી 562-કિલોગ્રામ કોકેઇન અને 40 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઝડપાયેલી દવા અંકલેશ્વરની અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીની છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 1,289 કિલોગ્રામ કોકેઇન, 40 કિલોગ્રામ હાઇડ્રોપોનિક થાઇલેન્ડ ગાંજો મળ્યો છે, જેની કિંમત રૂ.13,000 કરોડ છે.
દાહોદ સરહદે રૂ. 168 કરોડનું MD જપ્ત
મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના મેઘનગર જીઆઇડીસી વિસ્તારમાં દવા બનાવતી કંપનીમાં કેન્દ્રસરકારની ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે દરોડો પાડી રૂ. 168 કરોડનો 112 કિલો જેટલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે 4 શખ્સોની અટકાયત કરાઈ હતી.