અમદાવાદઃ મુંબઈમાં એનસીપીના નેતા બાબા સિદ્દિકીની શનિવારે રાતે ગોળી મારીને હત્યા કરવાની ઘટનામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે. જેના આધારે મુંબઈ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે અને આગામી દિવસોમાં મુંબઈ પોલીસ લોરેન્સની પૂછપરછ કરી શકે છે.
જો કે હાલમાં લોરેન્સ બિશ્નોઈ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે અને તેની પર સીઆરપીસી કલમ (268) લગાવવામાં આવી હોવાથી તેને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી વગર કોઈ મળી શકતું નથી. બાબા સિદ્દિકીની હત્યાની ઘટનાના થોડા જ સમય બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ હતી, જેમાં આ હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરાઈ હોવાનું કહેવાયુંું હતું. બીજી બાજુ બાબા સિદ્દિકીની હત્યામાં મુંબઈ પોલીસે કેટલાક આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસે મે 2023માં ભુજના ડ્રગ્સના કેસમાં લોરેન્સની ધરપકડ કરી હતી. ત્યારથી તેને સાબરમતી જેલના હાઇ સિક્યોરિટી ઝોનમાં છે, જ્યાં 10 પોલીસ કર્મી અને 1 પીએસઆઇ 24 કલાક તહેનાત રહે છે.