અમદાવાદઃ પાર્સલમાં ડ્રગ્સ અને નકલી પાસપોર્ટ હોવાની ધમકી આપીને ગુનો નોંધવાની ધમકી આપીને છેતરપિંડી આચરતી ગેંગ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. જેમાં 4 તાઇવાન નાગરિકો સહિત 11 લોકોને ઝડપી લેવાયા છે. તેમની પાસેથી રૂ. 12.75 લાખ રોકડ, 120 મોબાઇલ ફોન, મોટા પ્રમાણમાં ક્રેડિટ કાર્ડ અને પાસબુક, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરાઈ છે.
ઓનલાઇન છેતરપિંડીની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી હતી, જેમાં તે એકસાથે 20 કે તેથી વધુ મોબાઇલને ઇન્ટરનેટ સાથે જોડીને બેન્ક એકાઉન્ટના ઓટીપીના આધારે નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને તાઇવાન મોકલતા હતા. આ અંગે સાઇબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટીઝનના નામે આવેલા પાર્સલમાં ડ્રગ્સ અને પાસપોર્ટ હોવાનું કહી એનસીબી તેમજ મુંબઈ ક્રાઇમબ્રાન્ચના નામે કોલ કરીને રૂ. 80 લાખની છેતરપિંડીની તપાસ કરી રહેલી અમદાવાદ સાઇબર ક્રાઇમને અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી છે.