આણંદઃ ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સીસ (BDIPS)ના ઓપ્ટોમેટ્રી વિભાગની ઇન્ટર્ન ખદીજા દૂધિયાવાલાએ લો વિઝન ધરાવતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં આશીર્વાદરૂપ રિસર્ચ કર્યું છે, જેને રાષ્ટ્રીયસ્તરે પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે. ખદીજાએ પ્રતિષ્ઠિત ‘ધ બ્રાયન હોલ્ડન ઓપ્ટોમેટ્રી રિસર્ચ રોલિંગ ટ્રોફી-2024’ જીતીને ચારુસેટનું ગૌરવ વધાર્યું છે. ખદીજા રોલિંગ ટ્રોફી જીતનારી ગુજરાતથી સૌપ્રથમ વિદ્યાર્થિની તરીકે વિશિષ્ટ સન્માન પ્રાપ્ત કર્યું છે.
ઇન્ડિયન વિઝન ઇન્સ્ટિટ્યૂટ (IVI) દ્વારા વર્ષ 2024માં આયોજિત આ સ્પર્ધા માટે ભારતમાંથી કુલ 5 વિદ્યાર્થીની પસંદગી કરાઈ હતી, જે પૈકી BDIPSની ખદીજાએ ફાઇનલિસ્ટ તરીકે પસંદ થઈ રોલિંગ ટ્રોફી અને રૂ. 10 હજારનું કેશ પ્રાઇઝ જીત્યું હતું. ખદીજાએ BDIPS ના આસિસ્ટન્ટ પ્રોફેસર દેવાંશી દલાલ, પ્રિન્સિપાલ ડો. હેમંતકુમાર અને ઓપ્ટોમેટ્રી વિભાગના વડા જયદેવસિંહ પરગરના માર્ગદર્શન હેઠળ ‘વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ફોર વિઝન: અ ટેક્નોલોજી-ડ્રીવન સોલ્યુશન ફોર લો-વિઝન એજ્યુકેશન’ વિષય પર રિસર્ચ કર્યું હતું.