જમ્મુ-કાશ્મીર, કલમ 370 અને ઓમરનું બદલાયેલું વલણ

Wednesday 16th October 2024 05:54 EDT
 

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી વિશેષ રહી હતી. ઓગસ્ટ 2019માં સૌથી પહેલાં તો જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાનો સાહસિક નિર્ણય કેન્દ્રની મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો. તેની સાથે જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરીને તેને લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવાયું. આ સાથે જ કલમ 370ના કારણે મળતા વિશેષાધિકારો પર આધારિત રાજનીતિનો અંત આવી ગયો હતો.
કેન્દ્ર શાસિત બનેલા જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને તેની સાથેના કોંગ્રેસ સહિતના પક્ષોનું ગઠબંધન સત્તામાં આવ્યું છે. ઓમર અબ્દુલ્લા ફરી એકવાર મુખ્યમંત્રી તરીકેના શપથ લેવા જઇ રહ્યાં છે. ચૂંટણી પ્રચારમાં કલમ 370ને પરત લાગુ કરાવવાના ઢોલ પીટનારા ઓમર અબ્દુલ્લાના સૂર સત્તામાં આવતાની સાથે જ બદલાઇ ગયાં છે. આમ તો તેઓ સારી રીતે જાણે છે કે કલમ 370ની વાપસીની સંભાવનાઓ ઘાસની ગંજીમાંથી સોય શોધવાના પ્રયાસોને મળતી સફળતા જેટલી જ છે. કલમ 370ની નાબૂદી અને જમ્મુ-કાશ્મીરનું વિભાજન ભારતીય સંસદ દ્વારા કરાયેલ બંધારણીય સુધારાને આધારિત છે અને તેની વાપસી માટે પણ ભારતીય સંસદની જ મંજૂરી જોઇએ. પરંતુ ચૂંટણી પ્રચારમાં નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ સહિતના કલમ 370ના હિમાયતી મતદારોને મૂર્ખ બનાવતાં રહ્યાં હતાં.
નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચેનું સગવડિયું લગ્ન કેટલા દિવસ, મહિના ચાલશે તે કોઇ કહી શકે તેમ નથી. ઓમર અબ્દુલ્લાના નિવેદનો અત્યારથી જ સંકેત આપી રહ્યાં છે કે તેઓ કેન્દ્ર ખાતેની નરેન્દ્ર મોદી સરકાર સાથે કોઇપણ પ્રકારના સંઘર્ષના મૂડમાં નથી. તેમણે કલમ 370નો મામલો અભેરાઇ પર ચડાવી દેવાના સંકેત આપ્યાં છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુક્તમને પ્રશંસા પણ કરી છે. ઓમર અબ્દુલ્લાએ કાશ્મીરી પંડિતોને આવકારવાના પણ સંકેત આપી દીધાં છે. આમ અબ્દુલ્લા અત્યારથી ભાજપ તરફી વલણ અખત્યાર કરી રહ્યાં છે. જેના પગલે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચેના સગવડિયા લગ્ન કેટલા સમય સુધી ટકશે તે એક મોટો સવાલ છે.


comments powered by Disqus