નાગપુરઃ નાગપુરમાં દશેરા રેલી પ્રસંગે આરએસએસના વડા મોહન ભાગવતે પરંપરાગત રીતે શસ્ત્રોની પૂજા કરી હતી. તેમણે દેશવાસીઓને સંદેશ આપતાં કહ્યું કે, હિન્દુઓ દુર્બળ રહે તે અપરાધ છે, આવી સ્થિતિ અત્યાચારને આમંત્રણ આપવા સમાન છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા સંદર્ભે તેમણે કહ્યું કે, હિન્દુસમાજે હવે સંગઠિત બનીને વ્યવસ્થિત રહેવાની જરૂર છે. સંગઠિત હશો તો જ કોઈનો મુકાબલો કરી શકાશે, અન્યથા તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સામાજિક સદ્ભાવ અને એકતા માટે જાતિ અને ધર્મથી અલગ રહીને વ્યક્તિઓ તેમજ પરિવારો વચ્ચે મૈત્રી હોવી જરૂરી છે. બાંગ્લાદેશમાં એવી વાત ફેલાવાઈ રહી છે કે તેને ભારત તરફથી સંકટ છે.
કોલકાતામાં આર.જી. કર હોસ્પિટલમાં જે ઘટના બની તે આપણા માટે અને સમાજ માટે શરમજનક હતી. દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતાં મહાભારત જેવું યુદ્ધ થયું અને સીતાનું હરણ થયું તો રામાયણ થઈ. કોલકાતામાં જે રીતે કેસ હેન્ડલ કરાયો તેમાં અપરાધ અને રાજનીતિની વાસ આવે છે.