દુધઈ: અંજારના દુધઈ પંથકના કપાસના નબળી ગુણવતાનાં બિયારણના કારણે કપાસના પાકમાં નુકસાન જતાં ખેડૂતો પર આભ ફાટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. કપાસના બિયારણ માટે ધનલક્ષ્મી બિયારણ ખેડૂતોમાં જાણીતું નામ છે. કપાસના સારા વાવેતર માટે ખેડૂતો આ જ બિયારણનો આગ્રહ રાખે છે. શરૂઆતના પ્રથમ તબક્કામાં બિયારણ સારું આવ્યું હતું. આ બિયારણની માગ વધતાં પાછળના બીજા સ્લોટનું બિયારણ નબળી ગુણવત્તાવાળું આવ્યું હતું, જેના કારણે ધરતીપુત્રોને નુકસાન થયું છે.
અંજાર પંથકના દુધઈ, કોટડા, ભુજપર, સુખપર, ચાંદરાણી, હીરાપર, નવાગામ, બુઢારમોરા સહિતનાં ગામના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. શ્રાવણ મહિનામાં ભારે વરસાદના કારણે કપાસના પાકમાં નુકસાન થયું હતું. તેમાંથી હજુ કળ વળી નથી ત્યાં બિયારણ ખરાબ નીકળતાં ખેડૂતોને એક એકરે એક લાખ જેટલું નુકસાન થયું છે. વાવેતરમાં બિયારણ, ખાતર, ખેડ, દવા છંટકાવ, પાણી વગેરેની જરૂર પડે છે, પરંતુ કપાસના પાકમાં છોડની વૃદ્ધિ થઈ જ ન હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.