ગુજરાત સમાચાર અને તેના પ્રકાશક તંત્રી સી.બી. પટેલ હંમેશાં તમામ સમાજ અને તેમનાં કાર્યોને બિરદાવતા રહ્યા છે. આ જ પ્રકારે સમાજનાં ઉમદા કાર્યોથી પ્રભાવિત થઈ ગુજરાત સમાચારના વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના 32મા અધ્યાયમાં યુકેના નવનાત વણિક એસોસિયેશનના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
યુકેમાં આશરે 11 લાખ ભારતીયો વસે છે, જેમાંથી સાડા સાતથી આઠ લાખ સનાતનીઓ વસે છે. આ પૈકી પણ નવનાત વણિકો - જૈન વાણિયા 2 હજારથી 2500 જેટલા જ છે. જો કે ગુજરાતી વસાહતમાં સૌથી મોટું 18 એકરમાં સેન્ટર નવનાત વણિકોનું જ છે. હેઝમાં આવેલા આ સ્થળે તમામ વયજૂથની વ્યક્તિઓ માટે અનેક કાર્યક્રમ થાય છે.
કાર્યક્રમનું સંચાલન કરતાં જ્યોત્સનાબહેન શાહે જણાવ્યું કે, યુકેમાં પાંચ દાયકાની લાંબી સફર પૂરી કરનારા નવનાત વણિકોએ અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમના આ વિકાસપંથનાં પરિબળો જાણી અન્ય સંસ્થાઓ પણ વિકસે તે હેતુસર અમારા દ્વારા આ સોનેરી સંગતમાં નવનાત વણિક એસોસિયેશનના અગ્રણીઓને આમંત્રણ અપાયું છે. નવનાત વણિક એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી જશવંત સાથે પ્રશ્નોત્તરી કરી.
જ્યોત્સનાબહેન શાહઃ જશવંતભાઈ તમે સમાજસેવામાં ક્યારથી જોડાયા અને સમાજના વિકાસ માટે શું-શું કરવું જોઈએ?
જશવંતભાઈઃ નવનાત વણિક એસોસિયેશનની સ્થાપના ઇસ્ટ આફ્રિકાથી આવેલા વણિકો દ્વારા કરાઈ હતી. 1970માં ઓફિશિયલી નવનાત વણિક એસોસિયેશનની સ્થાપના થતાં નવનીતભાઈ શેઠ પ્રથમ પ્રેસિડેન્ટ બન્યા હતા. ત્યારબાદથી હું બારમો પ્રેસિડેન્ટ છું. મારી સાથે મારા પત્ની કલ્પના પણ વડીલમંડળમાં સક્રિય છે. આ સમયગાળામાં એસોસિયેશને ઘણી પ્રગતિ કરી છે. જે.જે. મહેતાએ નવનાત ભવન માટે મેસન્સ એવેન્યુ એકલે હાથે લઈને જે પગલું ભર્યું હતું, જેના કારણે અમે આજે આ સ્થાને છીએ. તે સમયે સંસ્થા પાસે પૈસા પણ નહોતા, છતાં તેમણે પોતાના મકાન પર લોન લઈને નવનાત ભવનનું આ મકાન લીધું હતું. બધાની મહેનતથી આ લોન ભરપાઈ કરી દેવાઈ હતી. જે બાદ 2005માં હેઝમાં જે મકાન લીધું તે વખતના પ્રેસિડેન્ટ સુભાષભાઈ અને દાતા શ્રી યોગેશભાઈ મહેતાનો ફાળો નોંધપાત્ર હતો. આ મકાનને 1.6 મિલિયન એક્સટેન્શન કરવામાં ખર્ચાયા. અમે અહીં ઘણા ધાર્મિક - સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ. આ વર્ષના પર્યુષણ બાદ પ્રીતિભોજનમાં 1400 જેટલા સભ્યો હાજર રહ્યા હતા.
જ્યોત્સનાબહેને નવનાત વડીલ મંડળમાં સક્રિય નલિનભાઈ ઉદાણીને આમંત્રણ આપતાં પૂછયું, આપનું વડીલ મંડળમાં જોડાવાનું પ્રેરકબળ કર્યું, ક્યારથી વધુ એક્ટિવ બન્યા?
નલિનભાઈ ઉદાણીઃ નવનાત વડીલ મંડળની સ્થાપના 1997માં નવનાત ભવન – મેસન્સ એવેન્યુમાં થઈ, જ્યાંથી 2007માં હૈઝમાં આપણા ઘરમાં ટ્રાન્સફર થયાં. આ સમયે જે વડીલોની એક્ટિવિટી ચાલતી હતી તેમાં સાથ આપવાનું શરૂ કર્યું. બે વર્ષ અમે ત્યાં વડીલ મંડળ ચલાવ્યું અને પછી કમિટી બનાવવા ચૂંટણીનું આયોજન કરાયું. આ ચૂંટણી દ્વારા મને પ્રથમ પ્રેસિડેન્ટ થવાનો અવસર પ્રાપ્ત થયો. એ સમયે અમૃતલાલ વસા અને કમિટીનો મને સારો સાથ મળ્યો હતો. રસોડામાં શકુબહેન શેઠ અને અન્ય બહેનોના સહકારથી રસોઈ બનાવવાનું શરૂ કર્યું. આ પછી અવિરતપણે એક્ટિવિટી ચાલી, જેમાં યોગા, કાર્ડ્સ ગેમ્સ અને નવાનવા કાર્યક્રમો શરૂ કર્યા. એક સમયે 50 સભ્યથી શરૂ થયેલી વડીલ મંડળની પ્રવૃત્તિમાં હાલ 640 સભ્યો છે.
હાલના આધુનિક જમાના પ્રમાણે પ્લાસ્ટિકના ક્રેડિટ કાર્ડની સાઇઝમાં અમે મેમ્બરશિપ કાર્ડ બનાવ્યા, જેમાં એનએચએસ નંબર અને ક્યુઆર કોડ પણ ઉમેર્યો છે. આમ કરવાથી ઇમર્જન્સીના સમયે બનતી મદદ કરી શકાય. અમે વર્ષોથી સ્મરણાંજલિનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. જે અંતર્ગત કોઈ વડીલ સભ્ય સદગતિએ સિધાવ્યા હોય, તેમને નવનાતના સૌ સભ્યો એકઠા થઈ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકીએ. કોવિદ સમયે આ પ્રવૃત્તિઓ બંધ થતાં અમે ઝૂમ કાર્યક્રમની શરૂઆત કરી. આ કાર્યક્રમ નવનાત વણિક એસોસિયેશન અને ભગિનીની બહેનો પણ વડીલ મંડળ સાથે જોડાયાં. આમ સંયુક્તપણે અમે 150 જેટલા કાર્યક્રમ કર્યા. આ કાર્યક્રમો પૈકી લાઇવ કૂકિંગની સાથે ‘નવરસ’ કૂકબુક પણ પ્રકાશિત કરાઈ.
જ્યોત્સનાબહેન શાહ દ્વારા નવનાત વડીલ મંડળના પ્રેસિડેન્ટ નટુભાઈ મહેતાને આમંત્રણ આપવામાં આવ્યું અને પૂછયું કે, પ્રમુખપદની જવાબદારી સંભાળવા શું-શું કાર્ય કરો છો?
નટુભાઈ મહેતાઃ અમે જ્યારે 2016માં અહીં આવ્યા ત્યારે શું કરીશું તે યક્ષપ્રશ્ન હતો. બનવાજોગ હતું કે હું અને મારાં પત્ની પલ્લવી અહીં આવી વડીલમંડળના સભ્ય થયાં અને મને સેવા આપવાનો અવસર પ્રાપ્ત થયો. નલિનભાઈના પ્રોત્સાહનથી હું સતત આગળ વધતો રહ્યો. 12 જાન્યુઆરી 2024એ હું પ્રેસિડેન્ટ તરીકે ચુંટાયો. મારાં પત્ની પણ કમિટી મેમ્બર છે અને સેવા આપી રહ્યાં છે. અમે દર શુક્રવારે એક પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ, જે અંતર્ગત સભ્યોને રમતગમત અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અમે ચોપાટ, કેરમ, ટેબલ ટેનિસ જેવી રમતગમતની પ્રવૃત્તિ કરીએ છીએ. અમે વડીલો માટે બનતી તમામ સેવા કરીએ છીએ, જે અંગે ક્યારેય તેમની ફરિયાદ રહી નથી. પ્રેસિડેન્ટ હું છું પણ અમારા કમિટી મેમ્બરનો સાથ ખૂબ સારો છે, ડિસેમ્બર 2019માં જ્યારે કોવિડની મહામારી શરૂ થઈ, ત્યારે અમને વિચાર આવ્યો કે આપણા મેમ્બર ઘરે બેસી ડિપ્રેશન કે એકલતાથી ન પીડાય તે માટે ઝૂમ દ્વારા એકબીજાના સંપર્કમાં રહીએ. અમારા દ્વારા શરૂ કરાયેલા અઠવાડિક ઝૂમ કાર્યક્રમમાં 200થી 300 સભ્યો જોડાતા હતા.
વડીલ મંડળ હેઠળ અમારી કિચન કમિટી છે, જેના અગ્રણી શકુબહેન શેઠ છે. આ કમિટી સવારે 6 વાગ્યે આવીને તાજી રસોઈ બનાવે છે. જે સભ્યો ઓછું તીખું ખાતા હોય તેમના માટે અલગ અને જૈનો માટે કંદમૂળ વિનાનું સ્વાદિષ્ટ ભોજન બનાવે છે.
નવનાત ભગિનીનાં પ્રમુખ સરોજબહેન ભરતભાઈ વારિયાને આમંત્રણ આપતાં જ્યોત્સનાબહેને પૂછયું કે, મહિલા સશક્તિકરણ માટે કઈ પ્રવૃત્તિ કરો છો?
સરોજબહેન વારિયાઃ 1977માં આફ્રિકાથી આવેલ 10થી 15 બહેનો દ્વારા ભગિની સંસ્થાની શરૂઆત કરાઈ હતી, જે સભ્ય સંખ્યા હાલમાં 1200 મેમ્બર સુધી પહોંચી છે. અમે કાયમ ધાર્મિક કાર્યક્રમ, કૂકિંગ ડેમોન્સ્ટ્રેશન, પિકનિક, હેલ્થ સેમિનાર, દિવાળી અને કોઈ જાણીતી વિભૂતિને આમંત્રણ આપી વિવિધ વિષયો પર ચર્ચાનું આયોજન કરીએ છીએ. આ સાથે રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરીએ છીએ. અમને આ તમામ કાર્યોમાં નવનાત વણિક એસોસિયેશનનો પૂરતો સહકાર પ્રાપ્ત થાય છે.
ઓવરસીઝ ટૂર અમારી ખાસિયત રહી છે. કોઈપણ ઓવરસીઝ ટૂરની જાહેરાત થાય તે પહેલાં જ મેમ્બર્સ પોતાનું નામ લખાવી દે છે. અમારી આ ટૂરનું તાત્પર્ય વડીલો અને સિંગલ મહિલાઓ જોડાય, જેઓ આનંદ અને ઉમંગ સાથે મજા કરે. અમે ત્રિવેણી સંગમનું આયોજન કરીએ છીએ. જેમાં લંડન, માન્ચેસ્ટર, લેસ્ટર, ઇસ્ટ લંડન અને સાઉથ લંડનની મહિલા સંસ્થાઓના 600થી વધુ સભ્યો હાજર રહે છે. આ ત્રિવેણી સંગમ અંતર્ગત અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ.
જ્યોત્સનાબહેને સરોજબહેનનાં કાર્યોને બિરદાવી નવનાત હોલના સેક્રેટરી હસ્મિતાબહેનને આમંત્રણ આપતાં તેમના અનુભવોને જણાવવા કહ્યું.
હસ્મિતાબહેનઃ નવનાતમાં હોલ સેક્રેટરીનું પદ સંભાળ્યું ત્યારે મને મદદ કરનારા ભૂપેન્દ્રભાઈ શાહ, દિલીપભાઈ મીઠાણી અને ધીરુભાઈ ગલાણી હતા, તેમનો મને પૂરતો સાથ અને સહકાર પ્રાપ્ત થયો હતો. આમ હું 16 વર્ષથી હોલ સેક્રેટરીની જવાબદારી નિભાવી રહી છું, જેમાં મને ખૂબ શીખવા અને જાણવા મળ્યું. હવે હોલની આવક કેવી રીતે વધારવી તે મારી જવાબદારી બની ગઈ છે. ઉપરાંત હું સંયુક્ત કુટુંબમાં રહું છું, જ્યાં મારા દીકરા, વહુ અને ગ્રાન્ડ ચિલ્ડ્રનનો મને ખૂબ સપોર્ટ રહે છે, તેમના સહયોગ વિના હું બહારનું કામ કરી શકત નહીં.
હસ્મિતાબહેનના અનુભવો જાણ્યા બાદ પ્રકાશક તંત્રી સી.બી. પટેલે જણાવ્યું કે, નવનાત વણિક સમાજના નવા હોલના બંધારણમાં સુભાષભાઈ બખાઈ અને યોગેશભાઈ મહેતાનો સિંહફાળો છે. આ સમાજે મને ખૂબ અભિભૂત કર્યો છે કે, એક અલ્પસંખ્યક સમાજ કેવાં સુંદર અને સર્વાંગી કાર્ય કરી શકે છે! આ સમાજની પ્રગતિ અને સિદ્ધિ ખૂબ સરસ થઈ કારણકે તેના પાયામાં અધ્યાત્મ અને તાલીમ છે. સંખ્યાબળ કંઈ નથી - હૈયે હામ તો સદા દિવાળી. હોદ્દો હોય કે ન હોય કામ કરવું હોય તો થઈ શકે. સત્તા માત્ર પ્રમુખ સંભાળતા નથી, વિવિધ 25થી 30 ઘટક દ્વારા જવાબદારી અને સત્તાનું વિકેન્દ્રીકરણ થયું છે, એ તમારી મોટામાં મોટી પરંપરા છે.