ભારતીય ઉદ્યોગજગત અને સખાવતના મહામાનવ રતન તાતા 9 ઓક્ટોબર 2024ના રોજ એક મહાન ઔદ્યોગિક વારસો છોડી ફાની દુનિયાને અલવિદા કહી ગયા. નુસ્સેરવાનજી ટાટાના પરિવારના આ ચોથી પેઢીના ફરજંદે ન કેવળ ટાટા ગ્રુપને પરંતુ ભારતના ઉદ્યોગજગતને આકાર આપવામાં મહાકાય યોગદાન આપ્યું. 1937માં જન્મેલા નવલ ટાટા અને સૂની કમિસ્સારિઆતના પુત્ર રતન ટાટાએ તાતા ગ્રુપને ન કેવળ ભારતમાં પરંતુ વૈશ્વિક મંચ પર સ્થાપિત કર્યું હતું. મહાન સખાવતી અને ઉદ્યમી એવા રતન ટાટા આજીવન કુંવારા રહ્યાં પરંતુ જીવન પ્રત્યેનો તેમનો હકારાત્મક અભિગમ અને વિચારો આજની યુવાપેઢી માટે ઘણા પ્રેરણાદાયી બની શકે છે. આ મહામાનવના વિચારોને યાદ કરી, જીવનમાં અપનાવીને જ સાચી શ્રદ્ધાંજલિ અર્પી શકાય.
સ્વ. રતન ટાટાના પ્રેરણાદાયી વિચારો
• લોખંડનો નાશ કોઇ નહીં પરંતુ તેનો પોતાનો કાટ જ કરી શકે છે. તેવી જ રીતે વ્યક્તિનો નાશ કોઇ નહીં પરંતુ તેની પોતાની માનસિકતા જ કરી શકે છે. • પડકારોનો સામનો કરવા સાતત્યપૂર્ણ અને સ્થિતિ સ્થાપક બનો કારણ કે એ જ સફળતાના પાયાના પથ્થરો છે. • સત્તા અને સંપત્તિ મારા માટે મુખ્ય મહત્વની બાબતો નથી • જોખમ ન લેવું એ જ સૌથી મોટું જોખમ છે. આજના વિશ્વમાં જોખમો સતત અને ઝડપથી બદલાઇ રહ્યાં છે, જોખમ ન લેવું એ જ નિષ્ફળ થવા માટેની એકમાત્ર વ્યૂહરચના છે. • શ્રેષ્ઠ આગેવાન એ છે જેમને તેમના કરતાં વધુ ચાલાક અને હોંશિયાર સહાયકો તેમની આસપાસ હોય તેમાં રસ હોય છે. • અન્ય લોકો સાથેના વ્યવહારમાં દયા, સહાનુભૂતિ અને કરુણાની શક્તિને ક્યારેય ઓછી આંકશો નહીં. • નેતૃત્વનો અર્થ બહાના બતાવવા નહીં પરંતુ જવાબદારી લેવી છે.
• તક તમારી પાસે આવશે તેની રાહ જોઇને બેસી ન રહો, તમારી પોતાની તકોનું સર્જન કરો. • જો તમે ઝડપથી ચાલવા માગો છો તો એકલા ચાલો પરંતુ જો તમારે દૂર સુધી ચાલવું છે તો સાથે ચાલો. • હું જીવન અને કામ વચ્ચેના સંતુલનમાં માનતો નથી. હું જીવન અને કામ વચ્ચે સુમેળ સાધવામાં માનુ છું. તમારા કામ અને જીવનને અર્થપૂર્ણ બનાવો અને બંને એકબીજાના પૂરક બની જશે...
આવા ઉત્તમ અને પ્રેરણાદાયી વિચારો સાથે ભારતીય અને વૈશ્વિક ઉદ્યોગ જગતમાં અમીટ છાપ છોડી જનારા મહાન વ્યક્તિત્વને ગુજરાત સમાચારની હૃદયપુર્વકની શ્રદ્ધાંજલિ...