નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે. બંને રાજ્યોનાં ચૂંટણી પરિણામ 23 નવેમ્બરે આવશે.
મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે અને ઝારખંડનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025ના રોજ પૂરો થાય છે. ચૂંટણીપંચે મંગળવારે બપોરે 3.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને 14 રાજ્યોની 48 વિધાનસભા અને 2 લોકસભા સીટો માટે પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી હતી.
કેરળના વાયનાડમાં 13 નવેમ્બરે અને મહારાષ્ટ્રના નાંદેડમાં 20 નવેમ્બરે લોકસભા બેઠકો માટે મતદાન થશે. તે જ સમયે 13 નવેમ્બરે 47 વિધાનસભા બેઠકો અને ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા બેઠક પર 20 નવેમ્બરે મતદાન થશે. તમામ પરિણામો 23 નવેમ્બરે આવશે.
3 લોકસભા બેઠક પર પેટાચૂંટણી
બંને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની સાથે 3 લોકસભા અને 48 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. કેરળની વાયનાડ બેઠક રાહુલ ગાંધીના રાજીનામાને કારણે ખાલી થઈ છે, મહારાષ્ટ્રની નાંદેડ બેઠક કોંગ્રેસના સાંસદનું અવસાન થવાથી ખાલી થઈ છે અને પશ્ચિમ બંગાળની બસીરહાટ બેઠક તૃણમૂલના સાંસદના નિધનને કારણે ખાલી થઈ છે.