મુંબઈઃ નસીપી નેતા બાબા સિદ્દિકીની તેમની ઓફિસ બહાર ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. શનિવારે મોડીરાત્રે મુંબઈના બાંદ્રા ઇસ્ટમાં તેમના પર ઘણા રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. આ ફાયરિંગમાં છાતી અને પેટના ભાગે બેથી ત્રણ ગોળી વાગતાં તેમને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બાબા સિદ્દિકી તેમના પુત્ર ઝિશાન સિદ્દિકીની ઓફિસે ગયા હતા. દરમિયાન તેમની પર 3 શખ્સો દ્વારા અચાનક અંધાધૂંધ ફાયરિંગ કરાયું હતું. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 3 લોકોની અટકાયત કરી પૂછપરછ કરી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે, આ ઘટનામાં 2 આરોપીની ધરપકડ થઈ છે, જે પૈકી એક બિહારનો અને બીજો હરિયાણાનો છે. ત્રીજાની શોધ હજુ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, ફેબ્રુઆરીમાં બાબા સિદ્દિકી એનસીપી (અજિત પવાર)માં સામેલ થયા હતા. તેઓ છેલ્લાં 48 વર્ષથી કોંગ્રેસમાં હતા.
બિશ્નોઈ ગેંગે જવાબદારી લીધી
એનસીપી અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દિકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા લેવામાં આવી છે. ગેંગના એક સભ્યની વાઇરલ થયેલી ફેસબુક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ‘અમે સલમાન ખાન સાથે કોઈ યુદ્ધ નથી ઇચ્છતા પણ તમે અમારા ભાઈને મોટું નુકસાન પહોંચાડ્યું છે. દાઉદ ઇબાહીમ અને સલમાન સાથેના તેના સંબંધોને કારણે બાબાની હત્યા કરવી પડી છે.
સિક્યોરિટી હાજર જ નહોતી
સિદ્દિકીને વાય સિક્યોરિટી મળી હતી પણ ઘટના વખતે તેમની સાથે કોઈ કોન્સ્ટેબલ નહોતો. સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી પણ બંધ હતા.
6 આરોપીની ઓળખ, 3 ઝડપાયા
બાબા સિદ્દિકી મર્ડર કેસમાં અત્યાર સુધી કુલ 6 આરોપીનાં નામ સામે આવ્યાં છે. તે પૈકી ધર્મરાજ કશ્યપ, ગુરમેલ સિંહ અને પ્રવીણ લોનકરની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે જાસિન અખ્તર, શિવાકુમાર અને શિબુ લોનકર હજુ ફરાર છે. તેમને ઝડપી લેવા મુંબઈ પોલીસે 10 ટીમ બનાવી છે. શિવાકુમાર યુપીનો રહેવાસી છે.
બાબાનો પુત્ર પણ ટાર્ગેટ હતો
બાબા સિદ્દીકીની હત્યા મામલે ઝડપાયેલા આરોપીઓએ ખુલાસો કર્યો છે કે, બાબા સિદ્દિકીનો પુત્ર ઝિશાન પણ બિશ્નોઈ ગેંગના ટાર્ગેટ પર હતો. તેમને બાબા સિદ્દિકી અને ઝિશાન બંનેને મારવા સોપારી અપાઈ હતી. સાથે એમ પણ કહેવાયું હતું કે, જો બંનેને એકસાથે મારવાની તક ન મળે તો બંનેમાંથી જે સામે મળી જાય તેને મારી નાખજો. બાબા સિદ્દિકીની હત્યા મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.