મહેસાણાઃ બહુચરાજી દેશનું એકમાત્ર એવું મંદિર છે, જેની પાસે રૂ. 300 કરોડથી વધારે કિંમતનો નવલખો હાર છે. જે વર્ષમાં માત્ર દશેરાના દિવસે શોભાયાત્રામાં બહુચર માતાજીને પહેરાવાય છે. 241 વર્ષ જૂની પરંપરા મુજબ શનિવારે બેચર ગામે શોભાયાત્રા નીકળી, ત્યારે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
વડોદરાના રાજવી શ્રીમંત માનાજીરાવ ગાયકવાડ જ્યારે કડી પ્રાંતના સુબા હતા, ત્યારે તેમને પાઠાનું અસાધ્ય દર્દ હતું, જે માતાજીની કૃપાથી મટી ગયા બાદ તેમની રાજા બનવાની મનોકામના પણ પૂર્ણ થઈ હતી. આથી તેમણે 1839માં 56 ફૂટ ઊંચું શિખરબદ્ધ મંદિર બંધાવી માતાજીને નવલખો હાર અર્પણ કર્યો હતો. 10 વર્ષ અગાઉ ઝવેરીઓએ આંકેલી અંદાજિત કિંમત મુજબ આ હાર રૂ. 300 કરોડથી વધુનું મૂલ્ય ધરાવે છે. સલામતીના કારણોસર વર્ષ દરમિયાન હાર અલંકારોમાંથી બાકાત રહે છે.