રતન ટાટાનું નામ પિતાએ દાદા સર રતનજીના નામ પર રાખ્યું હતું

Wednesday 16th October 2024 03:25 EDT
 
 

સુરતઃ વિશ્વભરમાં ભારત દેશનો ડંકો વગાડનારા રતન ટાટાનું નામ તેમના દાદા સર રતનજી ટાટાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. રતન ટાટાના પિતા નવલ ટાટાએ તેમના પિતા સર રતનજીના પ્રેમાળ અને દયાળુ સ્વભાવ તથા તેમના પ્રત્યેના આદરભાવથી પ્રેરાઈ પુત્રનું નામ પણ રતન જ રાખ્યું હતું.
પિતા નવલ ટાટાનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ ઝોરાષ્ટ્રીયન પારસી સમાજ પરિવારના હતા. ટાટા જૂથના સ્થાપક જમશેદજી ટાટાના પુત્ર રતનજી ટાટાએ નવલ ટાટાને દત્તક લીધા હતા. આ કારણે રતન ટાટા પણ સખાવતોના શહેર તરીકે જાણીતા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત સાથે અનોખો અને અતૂટ સંબંધ ધરાવતા હતા.
રતન ટાટા સાત વર્ષ પહેલાં પ્રથમ અને અંતિમવાર સુરત આવ્યા હતા. 3 મે 2018ના દિવસે તેમણે પિતા નવલ ટાટાની જન્મભૂમિ સુરતના પ્રથમ અને અંતિમવાર દર્શન કર્યાં હતાં. જો કે તે પહેલાં એક વખત નવસારીની મુલાકાત દરમિયાન સુરત એરપોર્ટ ઉતરી સીધા જ નવસારી રવાના થયા હતા. વર્ષ 2018માં તેમણે સુરતની લીધેલી શુભેચ્છા મુલાકાત માત્ર એક પારિવારિક બની રહી હતી.
રતન ટાટાએ યુવાનો અને પારિવારિક મિત્રો સાથે એક ખાસ સંવાદ યોજ્યો હતો. આ સંવાદમાં પરિવારના યુવાનોએ વિવિધ પ્રશ્નો રતન ટાટાને પૂછ્યા હતા. ટાટાએ પણ દરેક પ્રશ્નોના દિલને સ્પર્શી જાય એવા વિસ્તૃત અને વિગતે જવાબ આપ્યા હતા. તમને જગત કઈ રીતે યાદ રાખે? એવા અક્ષય ધોળકિયાના પ્રશ્નના જવાબમાં રતન ટાટાએ ઉત્તર આપતાં કહ્યું હતું કે, મેં કેટલી સંપત્તિ અને વેપાર વિકાસ કર્યો છે એના કરતાં મેં બદલામાં શું યોગદાન આપ્યું એના માટે યાદ રાખે તો મને ગમશે.
રતન ટાટાએ સુરત અંગે કહ્યું કે, 20 વર્ષ પહેલાં નવસારી જતી વખતે હું સુરત એરપોર્ટ પર ઉતર્યો હતો બસ એટલું જ.


comments powered by Disqus