અમદાવાદઃ રાજ્યમાંથી સત્તાવાર રીતે ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, ત્યારે નવરાત્રીના છેલ્લા દિવસોથી લઈ મંગળવાર સુધી રાજ્યમાં અનેક સ્થળે વરસાદી માહોલ સર્જાયો. જે મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તમામ ઝોનમાં વરસાદ નોંધાયો હતો. નવરાત્રી દરમિયાનના વરસાદે ખેલૈયાઓની મજા તો બગાડી જ, સાથોસાથ ખેડૂતોને પણ ચિંતામાં મૂકી દીધા છે.
કચ્છના ભુજ અને માંડવી તાલુકામાં સાતમા નોરતાથી કેરા, બળદિયા અને કોટડા ગામે વરસાદી માહોલ સર્જાયો હતો. આ સાથે વેકરા, નાના-મોટા રતળિયા, ગાંધીગ્રામ, ગોધરા સહિતનાં ગામોમાં વરસાદ પડ્યો હતો.
દશેરાએ અંબાજી ખાતે મોડી સાંજે વરસાદ આવતાં રાવણનું પૂતળું પલળી ગયું હતું. શનિવારે બનાસકાંઠાના અમીરગઢમાં વરસાદથી ઠેરઠેર પાણી ભરાતાં ખેડૂતોને નુકસાન થયું છે. આ સાથે પાટણ, સાબરકાંઠા, અને બનાસકાંઠામાં વરસાદ પડ્યો હતો.
જૂનાગઢમાં શનિવારથી વારંવાક પડતાં ઝાપટાંથી ખેડૂતોને એરંડો, કપાસ અને મગફળીના પાકને મોટું નુકસાન થયું છે. આણંદમાં આઠમા નોરતાથી વિવિધ ગામ-શહેરોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. આ સાથે મહિસાગર, વડોદરા, દાહોદ, પંચમહાલમાં પણ વત્તા-ઓછા અંશે વરસાદથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. સુરતમાં શનિવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સતત ત્રીજા દિવસે વરસાદથી નીચાણવાળા વિસ્તારોની સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં.