Social works provide a source of inspiration & motivation..
એક ચિંતકનું આ કથન સરોજબહેન વારીયાને શબ્દસ: લાગુ પડે છે. જે વ્યક્તિમાં સંવેદનશીલતા હોય, દયા-કરૂણાના ભાવ હોય અને સમાજને કંઈક પાછું આપવાની ભાવના હોય તે જ સમાજ સેવામાં પોતાનો અણમોલ સમય આપી શકે. અને ખાસ કરીને આજના જમાનાની સ્ત્રી માટે ઘર-કુટુંબ-નોકરી સાથે સમાજસેવા માટે સમય ફાળવવો મુશ્કેલ હોય છે.
છેલ્લા ૩૭ વર્ષથી નવનાત વણિક એસોસિએશન ઓફ ધ યુ.કે.માં સક્રિય રહી સતત સેવા આપવા ખડે પગે હાજર ત્યારે જ રહી શકાય જ્યારે હ્દયમાં ઊંડે ઊંડે સમાજનું ઋણ અદા કરવાની ખેવના હોય. હાલ નવનાત ભગિનીના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપતાં સરોજબહેન ભરતભાઇ વારીયાનું વ્યક્તિત્વ સાચે જ પ્રેરણાદાયી છે.
કિસુમુ-કેન્યામાં જન્મેલ સરોજબહેનના પિતાશ્રી ચુનીભાઇ મહેતા અને માતુશ્રી છબલબહેન મહેતાના પાંચ સંતાનોમાં સરોજબહેન અને એમનો ભાઇ જોડિયા છે. સમાજસેવાના ગુણો એમને વારસામાં મળ્યા છે. એમના ભાઇ રમેશ મહેતા જેઓ કેન્યામાં રહે છે અને ખૂબ મોટા પાયે ચેરિટી કાર્યમાં પ્રવૃત્ત છે.
નાના હતા ત્યારથી જ માતાએ દીકરીને ‘અતિથિ દેવો ભવ્’નું મહત્વ સમજાવેલ. તેમણે માત્ર સાત ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે પણ ગણતરમાં અવ્વલ !
૧૯૭૨માં શ્રી ભરતભાઇ વારીયા સાથે લગ્નગ્રંથીથી જોડાયાં બાદ મોમ્બાસા-કેન્યા સ્થળાંતર કર્યું. સંયુક્ત કુટુંબમાં રહેવાની આદતે સૌ સાથે હળી-મળી રહેવાનો સ્વભાવ કેળવાયો. વાદ-વિવાદમાં ઉતર્યા વિના સંજોગો મુજબ બાંધછોડ કરવાનો ગુણ જીવનમાં ઉતારેલ જે દરેક ક્ષેત્રે ખૂબ જ કામમાં આવે છે. ૧૯૭૩માં વારીયા દંપતિને ત્યાં પ્રથમ પુત્ર હિતેનનો જન્મ થયો. એક વર્ષના દિકરા હિતેનને લઇ લંડન સ્થાયી થવા આવ્યાં. ત્યારબાદ બીજા દિકરા શીતલનો જન્મ. હવે તો બંન્ને દિકરાએ ભણી-ગણી-પરણી ગયા. સરોજબહેન ત્રણ પૌત્ર-પૌત્રીના દાદી બની
ગયા છે.
સામાજિક સેવાની એમની સફર ૧૯૮૬-૭થી શરૂ થઇ. તેઓ પ્રથમવાર નવનાત વણિક એસોસિએશન ઓફ ધ યુ.કે.ની મીટીંગમાં હાજરી આપવા ગયા ત્યારથી કોમ્યુનિટીની સેવા કરી સમાજનું ઋણ અદા કરવાનો ભાવ જાગ્યો. ૧૯૮૭માં। ચૂંટણીમાં ઉભા રહ્યાં અને ચૂંટાઇ ગયા. કમિટી સભ્ય, વાઇસ પ્રેસિડેન્ટ, ટ્રેઝરર વગેરે હોદ્દેથી સેવા આપી. નવનાત ભગિનીમાં સભ્ય બન્યાં અને એના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયાં. અગાઉ પાંચ વર્ષ અને હાલ બે વર્ષથી ભગિનીના પ્રસિડેન્ટનો હોદ્દો શોભાવી રહ્યાં છે.
નવનાત ભગિનીની સ્થાપના બહેનોમાં આત્મવિશ્વાસ કેળવાય, આંતરિક શક્તિઓની ખીલવણી થાય એ હેતુ હતો. મુખ્યત્વે યુવા પેઢીમાં સંસ્કાર- સંસ્કૃતિનું સિંચન પણ માતાઓ જ કરે છે.એથી બાળકોને લક્ષમાં રાખી નવરાત્રીમાં બાળકો માટે ગરબા, દિવાળી, ક્રિસમસ પાર્ટીનું અયોજન વગેરે ભગિની સમાજ કરે છે. એ સાથે જ નાટક-મ્યુઝીક જેવા મનોરંજન કાર્યક્રમો, આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી, ડે ટ્રીપ અને લાંબી ટ્રીપોનું આયોજન કરી બહેનોને એમ્પાવર કરવાની પ્રવૃત્તિને વેગ આપે છે.
સરોજબહેનને રસોઇનો ય ભારે શોખ એથી કિચન કમિટીમાં ય અનુદાન આપે છે. નવનાત વડિલ મંડળમાં પણ સક્રિય છે. કોવીદના કપરા સમયમાં જરૂરતમંદોને ટીફિન પહોંચતા કરવાની સેવા ય સાદર કરેલ. તેઓ નાના પાયે કેસર અને કેરીનો સીઝનલ બીઝનેસ કરી એમાંથી થતો નફો ચેરિટીમાં ફાળવે છે.
એક સફળ ગૃહિણીની ફરજને ન્યાય આપવા સાથે સેવાકીય પ્રવૃત્તિમાં સમયનું દાન કરી સતત વ્યસ્ત રહેવા છતાં સરોજબહેનના ચહેરા પર થાક વરતાતો નથી એનું રહસ્ય છે સમાજસેવા એમની મનગમતી પ્રવૃત્તિ છે.
સમાજનું ઋણ અદા કરવાની ખ્વાઇશ હોય તો શૈક્ષણિક ક્વોલોફીકેશનની જરૂર નથી એનું ઉદાત્ત ઉદાહરણ છે સરોજબહેન. એમના આ કાર્યમાં પતિશ્રી ભરતભાઇ અને કુટુંબનો સાથ ન હોય તો તેઓ આ સેવા કરવા સમર્થ ન બની શકે. ‘મન હોય તો માળવે જવાય’ એમ મનમાં સમાજસેવા કરવાની ભાવના હોય તો વચમાં આવતાં બધાં જ રોડા હટી જાય!