સ્ટાર્મર સરકારના પ્રથમ 100 દિવસ, જનતા નારાજ

Wednesday 16th October 2024 05:52 EDT
 

વિશ્વના મોટાભાગના લોકશાહી દેશોમાં નવી સરકાર ચૂંટાયા બાદ તેના પ્રથમ 100 દિવસના કાર્યકાળના આધારે સરકારનું મૂલ્યાંકન કરવાની ફેશન ચાલી રહી છે. આ 100 દિવસનો કોન્સેપ્ટ સૌથી પહેલાં અમેરિકન પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ દ્વારા દાખલ કરાયો હતો. સરકાર પોતાના 100 દિવસના કાર્યકાળનું મૂલ્યાંકન ન કરે તો પણ મીડિયા અને ક્રિટિક્સ દ્વારા સરકારના પ્રથમ 100 દિવસના શાસનનું મૂલ્યાંકન હાથ ધરાતું હોય છે.
યુકેમાં પણ 4 જુલાઇના રોજ યોજાયેલી ચૂંટણી બાદ 14 વર્ષના લાંબા ગાળા બાદ લેબર પાર્ટી પ્રચંડ બહુમતી સાથે સત્તારૂઢ થઇ હતી. કેર સ્ટાર્મરના વડપણ હેઠળની સરકારે પણ 100 દિવસ પૂરા કર્યાં છે અને તેના લેખાજોખાંનું મૂલ્યાંકન શરૂ થઇ ગયું છે. વિવિધ પ્રકારના સરવે સામે આવી રહ્યાં છે અને તેમાં બ્રિટિશ જનતા લેબરને સત્તા સોંપીને પસ્તાઇ રહી હોવાના તારણો જારી કરવામાં આવી રહ્યાં છે.
હજુ તો સ્ટાર્મર સરકાર દ્વારા તેનું પ્રથમ બજેટ પણ રજૂ કરાયું નથી તે પહેલાં જ તેની સામેનો અસંતોષ સપાટી પર આવી ગયો છે. વિન્ટર ફ્યુઅલ એલાઉન્સની નાબૂદી, પેન્શનરો પર આવનારી તવાઇ, ઇનહેરિટેન્સ ટેક્સ અને અમીરો પર વધુ ટેક્સ લાદવાના સંકેતો વચ્ચે આકરા બજેટના એંધાણ વર્તાઇ રહ્યાં છે. લેબર સરકાર અગાઉની કન્ઝર્વેટિવ સરકારે વારસામાં આપેલા આર્થિક ખાડાઓના કારણ આગળ ધરીને કરવેરામાં વધારો કરવાનો તખ્તો તૈયાર કરી રહી છે તે પહેલાં બેનિફિટ્સ પર નભનારા ગરીબ વર્ગ, પેન્શનરો, યુકેમાં મૂડીરોકાણ કરનારા નોન-ડોમ, ઇનહેરિટન્સ ટેક્સનો ભોગ બનનારા વારસો વગેરે જેવા મોટા સમુદાયોની નારાજગી સરકાર સામે સ્પષ્ટ વર્તાઇ રહી છે.
અધૂરામાં પુરું મફતની રેવડીઓ પર નભતા લેબર નેતાઓની શાખને ગંભીર બટ્ટો લગાવ્યો છે. ડોનર્સ પાસેથી વિનામૂલ્યે કપડાં, ફૂટબોલ મેચ અને સેલિબ્રિટીઓના પ્રોગ્રામોની વિના મૂલ્યે ટિકિટો, વેકેશનો વગેરે જેવી રેવડીઓ મેળવીને જલસા કરતા વડાપ્રધાન કેર સ્ટાર્મર સહિત તેમના મંત્રીઓ અને અન્ય વરિષ્ઠ લેબર નેતાઓ વિવાદમાં સપડાયાં છે. આમ સ્ટાર્મર સરકારના પ્રથમ 100 દિવસ જનતા માટે જરાયે લાભદાયી પૂરવાર થયાં નથી.


comments powered by Disqus