જામનગરઃ જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાના વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. દશેરા પર્વે એક પત્ર દ્વારા જામસાહેબે આ જાહેરાત કરી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, ‘અજય જાડેજાએ મારા વારસદાર થવાનું સ્વીકાર્યું છે અને જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે ખરેખર પ્રજા માટે વરદાનરૂપ છે.’
અજય જાડેજાનો રાજપરિવાર સાથેનો સંબંધ
અજય જાડેજા જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીના કૌટુંબિક ભત્રીજા થાય છે. જામસાહેબ શત્રુશલ્યસિંહજીના પિતા દિગ્વિજયસિંહજી જુવાનસિંહ જાડેજા અને અજય જાડેજાના દાદા કુમાર પ્રતાપસિંહ જુવાનસિંહ જાડેજા બંને સગા ભાઈ થાય છે.
મહારાજા જીવણસિંહજી જાલમસિંહજી જાડેજાના બે પુત્ર જામ રણજિતસિંહજી અને રાજકુમાર જુવાનસિંહજી જાડેજા છે. જેમાં જામ રણજિતસિંહજી પોતે અપરિણીત હતા, જેમના દ્વારા પોતાના ભાઈ જુવાનસિંહના પુત્ર દિગ્વિજયસિંહજીને દત્તક લેવાયા હતા. દિગ્વિજયસિંહજી જાડેજાના પુત્ર જામ શત્રુશલ્યસિંહજી જે હાલના જામસાહેબ છે.