વીતેલા જમાનાની જાજરમાન એક્ટ્રેસ સિમિ ગરેવાલ સોશિયલ મીડિયા પર જોવા મળતાં નથી. પણ ગયા ગુરુવારે સિમિએ અપવાદરૂપ પોસ્ટ મૂકી હતી અને તેનું કારણ પણ વિશેષ હતું. દિગ્ગજ ઉદ્યોગપતિ અને નૈતિક મૂલ્યોના ઉચ્ચ શિખરસમાન રતન ટાટાના નિધન અંગે શોક વ્યક્ત તેમને પરફેક્ટ જેન્ટલમેન ગણાવ્યા હતા. અન્ય સેલિબ્રિટીઝની સરખામણીએ સિમિની આ પોસ્ટ વધારે હૃદયસ્પર્શી અને અંગત હતી. કારણ કે, રતન ટાટા અને સિમિ ગરેવાલ વચ્ચે રોમેન્ટિક રિલેશન્સ હતા અને છૂટા પડ્યા પછી પણ તેઓ આજીવન મિત્ર રહ્યા હતા.
સિમિએ એક્સ પ્લેટફોર્મ પર ગુરુવારે મૂકેલી પોસ્ટમાં રતન ટાટા સાથે પોતાના ફોટોગ્રાફનું કોલાજ શેર કર્યું હતું. આ ફોટોગ્રાફ એ સમયનો છે, જ્યારે રતન ટાટાએ સિમિના શો રેન્દેવુઝમાં હાજરી આપી હતી. સિમિએ પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘તે લોકો કહે છે, તમે જતા રહ્યાં. તમારી ખોટ સહન કરવાનું અતિશય અઘરું છે, ખૂબ અઘરું. માય ફ્રેન્ડ રતન ટાટા અલવિદા...’ વર્ષો પહેલાં સિમિએ રતન ટાટા સાથે સંબંધોનો ખુલાસો કર્યો હતો. સિમિ બોલિવૂડમાં એક્ટિવ હતા ત્યારે થોડો સમય રતન ટાટા સાથ ડેટિંગ કર્યું હતું. બાદમાં તેમના રસ્તા અલગ થયા હતા. આમ છતાં તેઓ નિકટના મિત્ર રહ્યા હતા.