31 ઓક્ટોબર 2024ના રોજ ભારતે તેના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરી. ગુજરાત અને ભારતના પનોતા પુત્ર એવા સરદાર વિના આઝાદી પછીની ભારતની એકતાની કલ્પના કરવી મુશ્કેલ છે. બ્રિટિશ ગુલામીમાંથી ભારત આઝાદ થયો ત્યારે પહેલી સરકારને 562 રાજા-રજવાડામાં વિભાજિત દેશ વારસામાં મળ્યો. આ 562 રજવાડાને ભારતમાં સામેલ કરવાનો મહાકાય પડકાર ઝીલવાની હામ ફક્ત ગુજરાતના પનોતા પુત્ર એવા વલ્લભભાઇમાં જ હતી. તેમણે પોતાની રાજકીય વિચક્ષણતા અને કુનેહથી મોટા ભાગના રજવાડાંને ભારતમાં સામેલ કરી દીધાં. હૈદરાબાદ અને જૂનાગઢ જેવા પાકિસ્તાનમાં સામેલ થવા ઇચ્છતા રજવાડાંને પણ સરદારે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અખત્યાર કરીને ભારત સાથે જોડાવા મજબૂર કરીને પોતાની પોલાદી શક્તિનો પરચો દેખાડી દીધો હતો. આજે આપણે જે ભારતને જોઇ રહ્યાં છે તે સરદાર વલ્લભભાઇ પટેલની દ્રઢતા અને દૂરંદેશીનો જ પરિપાક છે. દુર્ભાગ્યની વાત એ રહી કે ભારતની આઝાદી બાદ થોડાં જ વર્ષમાં સરદારનું નિધન થયું જે ભારતના ઉદય અને ઘડતર માટે મોટા ફટકાસમાન ઘટના બની રહી. પરંતુ ભારતના પ્રથમ ગૃહ પ્રધાન તરીકેના પોતાના કાર્યકાળમાં તેમણે કરેલી કામગીરીના પગલે જ ભારત એકજૂથ થઇ શક્યો તે એક નિર્વિવાદ બાબત છે. સરદાર વિના અખંડ ભારતની કલ્પના પરિપૂર્ણ થઇ શકી હોત કે કેમ તે એક મોટો સવાલ છે. સરદારની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમને શત શત વંદન.....