વડોદરાઃ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન વડોદરા દ્વારા પ્રોજેક્ટ ‘પ્રયાસ’ દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયુંું છે. એકસાથે શહેરનાં 51 દિવ્યાંગ બાળકને દત્તક લેવાયાં હતાં. બાળકોના આરોગ્ય, શિક્ષણ સાથે યોગ્યતા જોઈ તેઓ પુખ્ત થાય ત્યારે હોસ્પિટલમાં નોકરી અપાવવા સુધીની જવાબદારી શહેરના 3700 તબીબે લીધી છે. તબીબીક્ષેત્રે દેશનો આ પ્રથમ પ્રયાસ છે.
આઇએમએ વડોદરાના પ્રેસિડેન્ટ ડો. મિતેષ શાહે કહ્યું હતું કે, અમે ઓગસ્ટમાં ‘પ્રયાસ’ પ્રોજેક્ટને લોન્ચ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરનાં 51 દિવ્યાંગ બાળક જેમનાં માતા-પિતાની વાર્ષિક આવક રૂ. 2 લાખથી ઓછી છે. તેમને આઇએમએ વડોદરા દ્વારા દત્તક લેવાયાં છે. આ બાળકની તબીબી, શિક્ષણ અને સોશિયલ સ્ટેબેલિટી અમે પૂરી પાડીશું.
વડોદરા શહેરમાં આઇએમએ સાથે 1020 હોસ્પિટલ જોડાયેલી છે. ત્યારે દત્તક લીધેલાં દિવ્યાંગ બાળક પુખ્ત થાય ત્યારે તેમને આ હોસ્પિટલમાં યોગ્યતા મુજબ નોકરી મળે તેવું અમારું પ્રયોજન છે. હાલ 51 બાળક પૈકી 28ની આ વર્ષે રૂ. 2.50 લાખ જેટલી સ્કૂલની ફી સંસ્થા તરફથી ભરાઈ છે. હાલ દિવ્યાંગ બાળકોને રૂ. 2500 સહાય મળે છે, જેને બમણી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ.
બાળકો માટે ફ્રી ઓપીડી શરૂ કરાઈ
આઇએમએ વડોદરાએ શહેરના તમામ દિવ્યાંગ બાળકનું સંકલન કર્યું હતું. બાળકના હેલ્થ ચેકઅપ માટે ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન અને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરનું પ્રયોજન કરી નિઃશુલ્ક ઓપીડી ચાલુ કરાઈ છે. દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ઓફિસ પણ આઇએમએ હાઉસ ખાતે ચાલુ કરાઈ હતી. જેમાં તમામ સુવિધા પૂરી પડાશે.