કઝાન: વર્ષ 2020માં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લોહિયાળ ઘર્ષણ બાદ વણસેલા બંને દેશો વચ્ચેના સંબંધો હવે ધીમેધીમે સુધરી રહ્યા હોય તેમ જણાય છે. રશિયાના કઝાન શહેરમાં બુધવારે 16મી બ્રિક્સ સમિટના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષી મંત્રણા થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ વિવિધ દ્વિપક્ષી મુદ્દા પર ચર્ચા કરી હતી. જિનપિંગ સાથે મંત્રણા બાદ પીએમ મોદીએ ફરી શાંતિની વાત દોહરાવતાં કહ્યું હતું કે, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ - એલએસી પર શાંતિ-સ્થિરતા અમારી પ્રાથમિકતા છે.
વડાપ્રધાન મોદીએ જિનપિંગ સાથે બેઠકમાં કહ્યું કે અમારું માનવું છે કે ભારત-ચીન સંબંધો બંને દેશો માટે જ નહીં, વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. મને ખાતરી છે કે આપણે મુક્ત મનથી વાટાઘાટો કરીશું અને આપણી ચર્ચા રચનાત્મક રહેશે.
તમને મળવું ખુશીની વાતઃ જિનપિંગ
ચીનના પ્રમુખ જિનપિંગે પીએમ મોદીને જણાવ્યું હતું કે કઝાનમાં તમને મળવું મારા માટે ઘણી ખુશીની વાત છે. બંને દેશોના લોકોની તેમજ આંતરરાષ્ટ્રીય સમુદાયની આ બેઠક પર નજર છે. ચીન અને ભારત મોટા વિકાસશીલ દેશ છે અને ગ્લોબલ સાઉથના મહત્વના સભ્ય છે. આપણે બંને આધુનિકીકરણના પોતપોતાના પ્રયાસોના મહત્ત્વપૂર્ણ તબક્કામાં છીએ.
ભારતને UNSCમાં સ્થાયી સીટ આપો
ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) નું વિસ્તરણ કરીને તેમાં ભારતને કાયમી સભ્ય બનાવવા માગણી કરી છે. રશિયાનાં કઝાનમાં બ્રિક્સની શિખર પરિષદમાં ભારતનાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે વધુ ન્યાયસંગત વૈશ્વિક વ્યવસ્થા રચવા માટે સ્થાપિત સંસ્થાઓમાં અને ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂર છે.
બંનેની મુલાકાત જરૂરી હતીઃ ચીન
મોદી અને જિનપિંગની મુલાકાત અંગે ચીને કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી અને જિનપિંગ વચ્ચે બુધવારે રશિયાના કેઝાનમાં મુલાકાત ખૂબ જરૂરી હતી, જેની ફળશ્રુતિરૂપે બંને દેશ દ્વિપક્ષીય સંબંધને સુધારવા માટે જરૂરી સમજણ પર પહોંચ્યા છે. ચીન દીર્ધકાલીન સમય માટે ભારતની સાથે કામ કરવા તૈયાર છે.