અમદાવાદ કોર્પોરેશનની માલિકીના 31 પ્લોટ પર વકફ બોર્ડનો દાવો

Wednesday 30th October 2024 04:11 EDT
 
 

અમદાવાદઃ લાંબા સમયથી વકફ બોર્ડ દ્વારા જમીન પર કરાતો દાવો વિવાદનું કારણ બની રહ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીની માલિકીના 31 પ્લોટ પર વકફ બોર્ડમાં દાવો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ કેસમાં મ્યુનિ. દ્વારા ખાસ વકીલની નિમણૂક કરાઈ છે. એટલું જ નહીં પણ દર સપ્તાહે આ મામલે સતત મોનિટરિંગ કરવા માટે પણ મ્યુનિસિપાલિટી દ્વારા વિશેષ સેલ બનાવાયો છે. અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી દ્વારા 18 પિટિશન દાખલ કરાઈ. નોંધનીય છે કે, આ કેસ 2016થી 2021 દરમિયાનના હોવાનું જાણવા મળ્યું છે.
મ્યુનિ. લીગલ કમિટીની બેઠકમાં સામે આવ્યું છે કે, મોટાભાગની મિલકતો શહેરના કોટ વિસ્તાર ગોમતીપુર અને સરખેજ વિસ્તારની છે. સરખેજ રોજા કમિટી દ્વારા પણ 2 મિલકત પર દાવો કરાયો છે. મ્યુનિ. લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, આ તમામ કેસમાં ખાસ વકીલની નિમણૂકનો નિર્ણય લેવાયો છે. તે ઉપરાંત આ કેસોમાં પ્રતિસપ્તાહ શું પ્રગતિ થઈ તે મામલે સતત ધ્યાન આપવામાં આવશે. મોનિટરિંગ કમિટી સાથે દર સપ્તાહે બેઠક યોજાશે.


comments powered by Disqus