નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ 15 વર્ષ માટે સંપૂર્ણ રોડમેપ તૈયાર તૈયાર કર્યો છે. પ્રથમ ગગનયાન મિશનનું પહેલું અન-ક્રૂ મિશન 3 મહિનામાં લોન્ચ થવા જઈ રહ્યું છે, જેની આખરી તૈયારીઓ ચાલી રહી છે. ત્યાર બાદ 2 રોબોટિક ગગનયાન જશે, જેમાં હ્યુમનોઇડ રોબો વ્યોમમિત્રને મોકલાશે. બાદમાં 2025ના અંતમાં અથવા 2026ની શરૂઆતમાં અવકાશયાત્રીઓને મોકલાશે. ઇસરોએ 2040 સુધીના સ્પેસ મિશનનું કેલેન્ડર તૈયાર કર્યું છે, જેમાં આ માહિતી સામે આવી છે.
ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા 4 અવકાશયાત્રી પૈકી 2 ભારતીય અવકાશયાત્રી ત્રણ દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે. એટલું જ નહીં ઇસરોએ આગામી 5 વર્ષમાં 2-2 ભારતીયોને 3 વખત અવકાશમાં મોકલવાની યોજના બનાવી છે. મિશનની સફળતાના આધારે અવકાશયાત્રીઓની સંખ્યા અને દિવસોમાં વધારો થઈ શકે છે. ઇસરો દ્વારા જાહેર કરાયેલા આ કેલેન્ડર પ્રમાણે મિશન ચાલુ રહેશે, હવામાનના કારણે સામાન્ય ફેરફાર શક્ય છે.