સુરતઃ અલથાણમાં આવેલી નંદુબા સીબીએસઈ ઇંગ્લિશ એકેડમી સ્કૂલના 60 વિદ્યાર્થીને એન્યુઅલ ફંક્શનની રૂ. 1000 ફી ન આપવા બદલ તડકામાં 6 કલાક સુધી ઊભા રાખવામાં આવ્યા હતા. આ અંગે વાલીઓએ આક્ષેપ કર્યો કે વિદ્યાર્થીઓને માર પણ મારવામાં આવ્યો છે.
સ્કૂલ દ્વારા અમાનવીય વ્યવહાર બાદ બાળકોને લીવિંગ સર્ટિફિકેટ આપી દેવાની ધમકી અપાઈ હતી, જેને લઈ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો, તેમજ સ્કૂલને ઘેરી સૂત્રોચ્ચાર કર્યો હતો. વાલીઓના ભારે રોષને પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, સાથે જ ટ્રસ્ટીએ સ્કૂલના આચાર્યની ભૂલ સ્વીકારી હતી.
આચાર્યા સામે કાર્યવાહીની માગ
વાલીઓએ આક્ષેપ કર્યા હતા કે સ્કૂલનાં આચાર્યા મોનિકા શર્માએ પહેલા તમામ વિદ્યાર્થીઓને એન્યુઅલ ફંક્શનની રૂ. 1000 ફી ભરવા માટે જણાવ્યું હતું. આ માટે આચાર્ય દ્વારા અલગથી બેન્ક એકાઉન્ટ નંબર પણ અપાયો હતો. જે વિદ્યાર્થીઓની ફી બાકી હતી, તેમની સાથે અમાનવીય વર્તન કરાયું હતું. ધોરણ-2થી 4 સુધીનાં નાનાં બાળકોને તડકામાં છ કલાક ઊભાં રખાયાં હતાં. આચાર્યાના આ વર્તનથી રોષે ભરાઈ વાલીઓએ અમાનવીય વર્તન કરનારાં મોનિકા શર્મા સામે કાર્યવાહીની માગ કરી હતી.
કેમ ફી મગાઈ તે ખબર નથીઃ ટ્રસ્ટી
વાલીઓનો વિરોધ જોઈ ટ્રસ્ટી અર્જુન પટેલે જણાવ્યું હતું કે, અમને આ અંગે ફરિયાદ મળી છે, જે વાલીઓ ફી નથી આપવા માગતા તેમને કોઈ દબાણ નથી. હાલ અમારા એક ટ્રસ્ટીનું અવસાન થયું હોવાથી અમે સ્કૂલે આવતા નહોતા. શા માટે ફીની માગણી કરાઈ છે એ અમારી જાણ બહાર છે. બાળકો સાથે કરવામાં આવેલું વર્તન તદ્દન ખોટું છે.