અમદાવાદઃ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2 પર દિવાળી પહેલાં 20 નવાં ચેકઇન કાઉન્ટર શરૂ કરાયાં છે. જેથી લોકોએ લાંબી લાઇનમાં ઊભા નહીં રહેવું પડે. આ સાથે બે સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમની સાથે 2100 ચોરસ મીટરથી વધુ એરિયામાં નવો ડિપાર્ચર એરિયા ખુલ્લો મુકાયો છે. અત્યાર સુધી ફક્ત 34 કાઉન્ટર હોવાથી ઘણી વખત પેસેન્જરને લગેજ ચેકઇનમાં લાંબી લાઇનમાં ઊભા રહેવું પડતું હતું. હાલમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રતિદિન એવરેજ 40 ફ્લાઇટ અવરજવર કરે છે. હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવાં 20 સાથે કુલ 54 કાઉન્ટરથી પેસેન્જરને લગેજ લઈને લાંબી લાઇનમાં ઊભા રહેવાથી રાહત મળશે. જે આગામી સમયમાં અમદાવાદ એરપોર્ટ પરથી શરૂ થનારી નવી ફ્લાઇટને સુવિધા મળી રહેશે. જે કાઉન્ટર પર વધારે ભીડ હશે તે નવા ચેકઇન કાઉન્ટર પર ટ્રાન્સફર કરી દેવાશે. મહત્ત્વનું છે કે, આગામી સમયમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ નવી બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરી રહી છે. ડિપાર્ચર એરિયામાં ગીરના એશિયાટિક લાયનની ઓળખ ધરાવતું એક સેલ્ફી પોઇન્ટર સ્કલ્પચર મુકાયું છે.
પ્રાથમિક સુવિધાઓનો અભાવ
વિદેશ જતા સ્વજનને અમદાવાદ એરપોર્ટ મૂકવા જવાનું આયોજન કરી રહ્યા હો તો ઘરેથી ખુરશી-ચટાઈ, પીવાનું પાણી લઈને જવું પડે તેવી સ્થિતિ છે. કારણ કે અમદાવાદ ઇન્ટરનેશનલ ટર્મિનલની બહાર પીવાનાં પાણી, બેસવા માટે કોઈ જ પૂરતી વ્યવસ્થા નથી.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે રોજ પાંચ હજારથી વધુ મુસાફરોની અવર-જવર નોંધાય છે. જેમને લેવા-મૂકવા દરરોજ મોટી સંખ્યામાં તેમના સ્વજનો આવતાં હોય છે. આ સમયે બેસવા માટે અપૂરતી વ્યવસ્થા, પીવાનાં પાણી અને એરપોર્ટથી દૂર શૌચાલય બનાવતાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાથી લોકોને પરેશાની થઈ રહી છે.