ભુજઃ કચ્છના મુન્દ્રામાં રહેતા અને ડોક યાર્ડમાં કામ કરતાં કરતાં આઇએસઆઇ એજન્ટ તરીકે સક્રિય રઝાક કુંભારને જાસૂસી કેસમાં લખનઉની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વારાણસીથી મોહંમદ રશીદને પકડ્યો હતો. આઇએસઆઇ એજન્ટ તરીકે કાર્યરત્ રશીદની પૂછપરછમાં જણાયું હતું કે, તે ભારતીય દળોની હિલચાલના ફોટોગ્રાફ્સ સહિતની માહિતી પાકિસ્તાન મોકલતો હતો. રશીદની પૂછપરછ બાદ કચ્છમાં આઇએસઆઇના એજન્ટ તરીકે મુન્દ્રા ડોકયાર્ડમાં કામ કરતા મુન્દ્રાના રહીશ રઝાક કુંભારની ધરપકડ કરાઈ હતી. રઝાકે શંકાસ્પદ સાહિત્ય રશીદને આપ્યું હતું તે કેસમાં કસૂરવાર ઠેરવાયો છે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું કે, તેમણે 2020માં લખનઉમાં કેસ નોંધ્યો હતો. આ કેસમાં દોષિત સાબિત થનારો રઝાકભાઈ કુંભાર બીજો આરોપી છે. એનઆઇએ સ્પેશિયલ કોર્ટે તેને આઇપીસી અને યુપીએની અલગ-અલગ કલમો હેઠળ દોષિત જાહેર કર્યો હતો. તેમાં તેને 6 વર્ષની સજા થઈ હતી. આ પહેલાં એનઆઇએની વિશેષ કોર્ટે ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના આરોપી મોહમ્મદ રશીદને આ કેસમાં સજા ફટકારી હતી. આ કેસ ગોમતી નગર એટીએસ દ્વારા નોંધવામાં આવ્યો હતો. રશીદ પર આરોપ હતો કે, તે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇના સતત સંપર્કમાં હતો. એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે રશીદ પર પાકિસ્તાની એજન્ટોને ભારતીય આર્મીની હિલચાલના સંવેદનશીલ ફોટોગ્રાફ્સ આપવાનો આરોપ મૂક્યો હતો.-
એનઆઇએએ જણાવ્યું હતું કે, અનેક ફોટોગ્રાફ્સ તેના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ક્લિક કરવામાં આવ્યા હતા. રઝાક કુંભારે, રશીદ અને આઇએસઆઇ એજન્ટો સાથે મળીને આતંકવાદી હુમલા કરવા માટે કાવતરું ઘડ્યું હતું. આ બંનેને પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ દ્વારા મોટી રકમ અપાઈ હતી. ઓગસ્ટ – 2020માં એનઆઇએએ મુન્દ્રા પાસે કુંભારવાસમાંથી રઝાક સુમારભાઈ કુંભારની ધરપકડ કરી હતી.