અમદાવાદઃ અમરેલી જિલ્લાના દુધાળા ગામે પીપીપી ધોરણે કરોડોના ખર્ચે નિર્મિત ‘ભારત માતા સરોવર’નું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું હતું. અમરેલી જિલ્લાના પ્રવાસે આવતા પૂર્વે ભાવનગર એરપોર્ટ પર પીએમ મોદીનું કેન્દ્રીય મંત્રી નિમુબહેન બાંભણિયા સહિતના મહાનુભાવો દ્વારા સ્વાગત કરાયું હતું.
દુધાળા ગામે વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિમોટની સ્વિચ દબાવી 70 એકરમાં નિર્મિત અને 24.50 કરોડ લિટર પાણીની સંગ્રહક્ષમતા ધરાવતા ‘ભારત માતા સરોવર’નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે લતીપુરની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પટેલ રાસ મંડળીના કલાકાર ભાઈ-બહેનોએ સરોવરની વચ્ચે બનાવાયેલા પ્લેટફોર્મ પર દેશભક્તિ નૃત્ય રજૂ કરી સૌકોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મોદીએ દૂધાળાની હેતની હવેલીમાં સવજીભાઈ ધોળકિયાના પુત્રના લગ્ન સમારોહમાં પણ હાજરી આપી હતી. આ સમારોહમાં મોદીએ મોરારિબાપુ સાથે મુલાકાત કરી હતી. વડોદરામાં રોડ-શો દરમિયાન કાફલો રોકાવીને વડાપ્રધાન એક દિવ્યાંગ દીકરીને પણ મળ્યા હતા.