નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 29 ઓક્ટોબરે મંગળવારે આરોગ્ય અને આયુર્વેદના દેવતા ધન્વંતરિની જયંતી અને ધનતેરસ પર રૂ. 12,850 કરોડથી વધુની ચિકિત્સા પરિયોજનાઓની આધારશિલા રાખી. આ દરમિયાન તેમણે 70 વર્ષ અને તેનાથી વધુ આયુ ધરાવતા વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન ભારત યોજનાના વિસ્તારનું એલાન પણ કર્યું. પ્રધાનમંત્રી મોદીએ રાજનીતિક કારણોથી આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના લાગુ ન કરવા માટે દિલ્હી અને પશ્ચિમ બંગાળની સરકારો પર નિશાન પણ સાધ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, મને દુઃખ છે કે આ બંને રાજ્યોના વડીલો આ યોજના અંતર્ગત વાર્ષિક રૂ. 5 લાખ સુધીના નિઃશુલ્ક ઇલાજનો ફાયદો નહીં લઈ શકે.
દિલ્હી-બંગાળના વડીલોની માફી માગું છું
પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું દિલ્હી અને પશ્ચિમ બંગાળના 70 વર્ષથી વધુ વયના તમામ વડીલોની માફી માગું છું કે હું તેમની સેવા નથી કરી શકતો. હું તમારા દુઃખ-દર્દ વિશે જાણી શકું છું પણ મદદ નથી કરી શકતો. એનું કારણ છે દિલ્હી અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારો પોતાના રાજકીય હિતના કારણે યોજના લાગુ કરવા દેતી નથી.
70 વર્ષથી વધુ વયના લોકો માટે આયુષ્માન વય વંદના
આ યોજના હેઠળ સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં 70 વર્ષથી વધુ વયના વડીલોને રૂ. 5 લાખ સુધી નિઃશુલ્ક સ્વાસ્થ્ય સુવિધા મળી રહેશે અને તેમને આયુષ્માન વય વંદના કાર્ડ આપવામાં આવશે. આ સાથે પ્રધાનમંત્રીએ કહ્યું, જે દેશના નાગરિક સ્વસ્થ હશે તે દેશની પ્રગતિ પણ ઝડપથી થશે. આ વિચારની સાથે દેશના નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતાં કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય નીતિના પાંચ સ્તંભ નક્કી કર્યા છે.
પહેલાં લોકોનાં ઘર-જમીન વેચાઈ જતાં
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું કે, એક સમય હતો જ્યારે ઇલાજમાં લોકોનાં ઘર, જમીન અને ઘરેણાં તમામ વેચાઈ જતાં હતાં. ગંભીર બીમારીઓના ઇલાજનો ખર્ચ સાંભળતાં જ ગરીબોનું હૈયું કંપી જતું હતું. નાણાંની અછતના કારણે ઇલાજ ન કરાવી શકવાની લાચારી ગરીબોને તોડીને રાખી દેતી હતી. હું આપણાં ગરીબ ભાઈ-બહેનોની આ લાચારી નહોતો જોઈ શકતો, જે માટે આયુષ્માન ભારતની યોજનાને સાકાર કરી. સરકારે નક્કી કર્યું છે કે, ગરીબોના ઇલાજનો રૂ. 5 લાખ સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે. દેશમાં આશરે 4 કરોડ ગરીબોએ આયુષ્માન ભારત યોજનાનો લાભ લીધો છે.