2 નવેમ્બર 2024ના રોજ ગુજરાતી નવા વર્ષ વિક્રમ સંવત 2081નો પ્રારંભ થઇ રહ્યો છે. દરેક નવું વર્ષ આશાના નવા કિરણ સાથે શરૂ થતું હોય છે. દરેક વ્યક્તિ નવા વર્ષમાં વધુ સુખાકારીની અપેક્ષા રાખતો હોય છે. બ્રિટન, ભારત અને સમગ્ર વિશ્વમાં વસતો સનાતન સમુદાય અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીક સમાન દિવાળી અને નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે. નવા વર્ષના આગમનની સાથે આગામી વર્ષ ભારત માટે કેવું રહેશે તે અંગેના વિચારો અને અટકળો પણ વેગ પકડી રહ્યાં છે.
ઇ.સ. 1990ના દાયકા સુધી વિશ્વમાં પછાત અને સંઘર્ષ કરી રહેલા વિકાસશીલ દેશ તરીકે ગણનાપાત્ર એવો ભારત 21મી સદીમાં આર્થિક, કૂટનીતિક સહિતના તમામ મોરચે આજે મહાસત્તાઓને પણ ટક્કર આપી રહ્યો છે. 1991માં મુક્ત બજારની નીતિ અપનાવ્યા બાદ ભારતીય અર્થતંત્રે કરેલા વિકાસની આજે સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઇ રહી છે. છેલ્લા એક દાયકાથી ભારતીય અર્થતંત્રની ગણના સૌથી ઝડપથી વિકાસ પામી રહેલા અર્થતંત્રમાં થઇ રહી છે. આજે ભારતીય અર્થતંત્ર સાથે વિકાસની ભાગીદારી કરવા વિશ્વના તમામ દેશ પડાપડી કરી રહ્યાં છે. વિક્રમ સંવત 2081માં પણ ભારતની આ વિકાસગાથા જારી રહેશે તે વાતમાં કોઇ શંકા નથી.
વિદેશ નીતિના મોરચે છેલ્લા 15 વર્ષમાં ભારતની વગ પ્રભાવશાળી બની છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારનો અવાજ વૈશ્વિક મંચ પર બુલંદ બની ગયો છે. અમેરિકા, રશિયા અને ચીન જેવી મહાસત્તાઓ પણ ભારતના વૈશ્વિક વ્યૂહાત્મક મહત્વ અને પ્રભાવને સ્વીકારી રહી છે. યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ હોય કે મીડલ ઇસ્ટમાં ચાલી રહેલી કટોકટીના નિવારણ માટે મહાસત્તાઓ ભારતના કૂટનીતિક પ્રભાવને મહત્વ આપવામાં આવી રહ્યું છે. નવા વર્ષમાં પણ ભારતનો કૂટનીતિક પ્રભાવ વધતો રહેશે તેનો કોઇ ઇનકાર કરી શકે તેમ નથી.
વિક્રમ સંવત 2081 ભારતની મહાસત્તા બનવા તરફની દોડમાં વધુ એક મહત્વનું વર્ષ બની રહેશે. હા, પડકારો ઘણા છે પરંતુ દેશનું સફળ નેતૃત્વ તે પડકારોનો સામનો કરવા સક્ષમ અને પ્રતિબદ્ધ પણ જણાઇ રહ્યું છે. ઘરઆંગણે થઇ રહેલા સુધારા, વિકાસ અને વૈશ્વિક સ્તરે વધી રહેલું કદ નવા વર્ષમાં ભારતને સફળતા અને સિદ્ધીઓની નવી ઊંચાઇઓ પર લઇ જાય તેવી પરમાત્માને અભ્યર્થના......