માણસાના ધોલાકૂવા ગામે 566 વર્ષથી દિવાળીમાં ફૂલોના ગરબાની પરંપરા

Wednesday 30th October 2024 04:10 EDT
 
 

માણસાઃ આધુનિક યુગમાં પણ માણસા તાલુકાના ધોળાકૂવા ગામમાં 566 વર્ષથી દિવાળીના દિવસોમાં ફૂલોના ગરબાની પરંપરા અકબંધ જળવાઈ રહી છે. દિવાળીના તહેવારો દરમિયાન ગામમાં રાંગળી માતાજીની બાધા માનતાના 35 ફૂટ ઊંચા અને 20 ફૂટ પહોળા ગરબા શ્રદ્ધાનું પ્રતીક છે. રોજ ફૂલોના ગરબાને માઇભક્તો માથે લઈને ગરબે ઘૂમતાં ઘૂમતાં માતાજીની આરાધના કરતા જોવા મળે છે.
આ વખતે 31 ઓક્ટોબરને ગુરુવારના રોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુ માતાજીના આ અવસરનો લહાવો લેવા ઊમટી પડશે. વર્તમાન આધુનિક યુગમાં પણ વર્ષોની પરંપરા અકબંધ જળવાઈ રહી છે તે માતાજી પ્રત્યેની અનહદ શ્રદ્ધા છે. માણસા તાલુકાના ધોળાકૂવા-શબ્દલપુરા ગામમાં છેલ્લાં 566 વર્ષથી પાટીદાર અને ઝાલા વંશી ઠાકોર યુવાનો તેમજ ગ્રામજનોના સહયોગથી દિવાળીના તહેવારોમાં ભારે ભક્તિભાવપૂર્વક ફૂલોના ગરબાનું ભવ્ય આયોજન કરાય છે. રાંગળી માતાજીના ફૂલોના ગરબાના કાર્યક્રમને પગલે ગામને રોશનીથી શણગારવાની તૈયારી આખરી તબક્કામાં ચાલી રહી છે. લોકવાયકા મુજબ 566 વર્ષ પહેલાં ગામમાં રાંગળી માતાજી સ્વયંભૂ પ્રગટ થયાનું કહેવાય છે, જેથી ગ્રામજનોમાં માતાજી પ્રત્યે અનન્ય શ્રદ્ધાને લીધે લોકો બાધા અને માનતા રાખતા હોય છે. માતાજીની બાધા કે માનતાના ગરબા ગામના લોકો ઉપરાંત આસપાસના ગામના લોકો અને દેશ-વિદેશમાં રહેતા માઇભક્તો પણ રાખતા હોય છે. જેથી માતાજીની બાધા કે માનતાના ફુલોના ગરબા દિવાળીના તહેવારોમાં યોજવામાં આવે છે.


comments powered by Disqus