સુરતઃ શનિવારે સૌરાષ્ટ્રના રાજકોટની ઇમ્પિરિયલ સહિતની હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યા બાદ હવે રવિવારે સુરતની જાણીતી 11 હોટેલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઇલ મળતાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે આ તમામ હોટેલોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે કોઈ વાંધાજનક પદાર્થ ન મળતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.
ડુમસ રોડ પર આવેલી લી-મેરેડિયન હોટેલમાં વહેલી સવારે 5 કલાકે ધમકી આપતો ઈ-મેઇલ કરાયો હતો. પોલીસે તપાસ કરતાં જયપુર સ્કૂલ શૂટિંગ નામના આઇડી પરથી ઈ-મેઇલ કરાયો હતો. અંગ્રેજી ભાષામાં લખાયું હતું કે, તમારી હોટેલના ગ્રાઉન્ડમાં કાળા રંગની બેગમાં બોમ્બ છે. 55 હજાર ડોલર નહીં આપો તો બોમ્બ ફૂટશે. બોમ્બ હોવાની ધમકીના પગલે હોટેલ સ્ટાફે હોટેલમાં રોકાયેલા ટૂરિસ્ટો સહિતને સામાન સાથે બહાર કાઢી દેવાયા હતા. આ તબક્કે તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા. લા-મેરેડિયન હોટેલની સાથે શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલ કાસા રીવા, પાલની રાણી, સ્ટેશન નજીકની લોર્ડ્સ પ્લાઝા, ઓરેન્જ સહિતની હોટેલમાં પણ બોમ્બ મુકાયા હોવા અંગે ઈ-મેઇલ કરાયા હતા.