રાજકોટ-મોરબી-જામનગરમાં ‘મિની જાપાન’ થવાની તાકાતઃ મોદી

Wednesday 30th October 2024 04:11 EDT
 
 

અમદાવાદઃ વડોદરાથી અમરેલી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં બ્રિક્સ દેશોની પરિષદ બાદ દિલ્હીમાં જર્મન ચાન્સેલર અને સ્પેનના વડાપ્રધાન સાથેની બેઠકોનો નિચોડ રજૂ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ગુજરાત સહિત દેશભરની જનતાને ભરોસો આપ્યો હતો કે, આજે દુનિયામાં ભારતના સામર્થ્યની ચર્ચા છે. દરેક દેશ ભારતના વિકાસમાં સહભાગી થવા, રોકાણ કરવા આતુર છે. ‘વડોદરામાં એરોસ્પેસ કોમ્પ્લેક્સનું ઉદ્‌ઘાટન કરાયું છે એ ભારત અને ભારતવાસીઓ માટે ઐતિહાસિક છે. આવા નવા વિકાસના પ્રોજેક્ટ્સ લોકજીવનને સરળ બનાવી વિકાસને નવી ગતિ આપશે.’
સોમવારે સાંજે અમરેલીના લાઠી ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર માટે રૂ. 4800 કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા પછી ઉપસ્થિત મેદનીને સંબોધતાં વડાપ્રધાને સૌને દિવાળી અને નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, ‘મંગળ કાર્યોના સમયે સાંસ્કૃતિક ઉત્સવ સાથે વિકાસનો ઉત્સવ ભારતની નવી તસવીર છે.’
વડાપ્રધાને કહ્યું કે, એરોસ્પેસ એન્જિનિયરિંગ ક્ષેત્રે સ્પેન ભારતમાં મોટું રોકાણ કરી રહ્યું છે, ત્યારે તેનાથી ગુજરાત તથા રાજકોટના ઉદ્યોગોને મોટો લાભ થશે. સૌરાષ્ટ્રના લઘુઉદ્યોગોની તો પાંચેય આંગળી ઘીમાં છે. તેમણે કહ્યું હતું કે, ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત એ જ આપણો સંકલ્પ છે. આજે દુનિયામાં ભારતનું ગૌરવ વધ્યું છે. દુનિયાના લોકોને ભારતના લોકોની ક્ષમતાનો પરિચય થવા લાગ્યો છે. જેમાં ગુજરાતની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. દેશનાં શહેરો-ગામડાંઓમાં કેટલું સામર્થ્ય છે તે ગુજરાતે બતાવ્યું છે. જામનગર, મોરબી તથા રાજકોટ એક એવો ત્રિકોણ છે. જેનામાં મેન્યુફેક્ચરિંગ હબ બનવાની ક્ષમતા છે. આ ત્રિકોણ આજે મિની જાપાન થવાની તાકાત ધરાવે છે.
આ તકે વડાપ્રધાને અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામે ગાગડીઓ નદીને પુનઃ જીવિત તથા તળાવોનું નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનારા ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીની નોંધ લીધી હતી. એ જ રીતે દુધાળા ગામ હવે સંપૂર્ણ સોલર વિલેજ બનવાનું છે એ કાર્ય કરવા બદલ સવજીભાઈ ધોળકિયાની પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, સૌની યોજનાની જાહેરાતને ત્યારે કોઈ માનવા તૈયાર નહોતું કે આ રીતે સૌરાષ્ટ્રના ડેમો નર્મદાનાં પાણીથી ભરાશે. આજે આ યોજના સાકાર થઈ છે અને પ્રદેશ લીલોછમ બન્યો છે, ત્યારે પવિત્ર ભાવથી કરેલો સંકલ્પ સિદ્ધ થતાં તેનો આનંદ મળે છે.
ભારત માતા સરોવર: ‘રે પંખીડા સુખેથી ચણજો’
વડાપ્રધાન મોદીએ ભારત માતા સરોવરની મુલાકાતને પોતાના સંબોધનમાં વણી લઈ કહ્યું કે, કવિ કલાપીએ પોતાની કવિતામાં કહ્યું હતું કે, ‘રે પંખીડા સુખેથી ચણજો’ એ સાહિત્યિક વિરાસત હવે સૌરાષ્ટ્રની ધરતી પર સાકાર થઈ રહી છે. ભારત માતા સરોવર જેવાં 78 હજાર જેટલાં સરોવર આકાર પામ્યાં છે, એમાંથી 60 હજાર સરોવર પાણીથી છલકાઈ રહ્યાં છે. અમરેલીના આ સરોવરમાં આગામી ડિસેમ્બરથી જ યાયાવર પક્ષીઓ નવા મુકામ બનાવશે અને એનાથી પ્રવાસનની નવી તકો, રોજગારીની નવી તકોનું નિર્માણ થશે. આ તકે પીએમ મોદીએ ગુજરાતના વિકાસમાં અને આગવી ઓળખમાં અમરેલી જિલ્લાના સામાજિક દાયિત્વ અને સેવાના સંદર્ભમાં યોગીજી મહારાજથી માંડીને ભોજા ભગત, દુલાભાયા કાગ, કવિ કલાપી, કે.લાલ, રમેશ પારેખ સહિતના મહાનુભાવોને યાદ કરીને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને ગોવિંદભાઈ ધોળકિયા સહિત અમરેલી જિલ્લાનાં રત્નોની સામાજિક સેવાને પ્રેરણાદાયી ગણાવી હતી.
બ્લૂ રિવોલ્યુશન સાથે પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટ
બ્લૂ રિવોલ્યુશનને વેગ આપવા સાથે આપણે પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટને વેગ આપી રહ્યા છીએ. ભૂતકાળમાં જે દરિયાકિનારો ખારોપાટ ગણાતો તેને સમૃદ્ધિના દ્વાર બનાવવા પ્રાથમિકતા આપીને કામ કરી રહ્યા છીએ. ગુજરાતનાં બંદરોને દેશના અન્ય બંદરો સાથે જોડી રહ્યા છીએ, ઉપરાંત ભારતના ઐતિહાસિક બંદરને દુનિયાના પ્રવાસન નકશા પર મૂકવા લોથલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિશ્વકક્ષાનું મ્યુઝિયમ બનાવાઈ રહ્યું છે.


comments powered by Disqus