રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સ્મરણાંજલિ સભા યોજાઈ

Wednesday 30th October 2024 04:11 EDT
 
 

રાજકોટઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ચોથી પુણ્યતિથિએ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા સ્મરણાંજલિ સભા યોજાઈ હતી. જેમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવા ઠરાવ થયો હતો. આ અંગે આગામી સમયમાં કેન્દ્ર સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરાશે. આ તકે કેશુભાઈ પટેલના મોટાભાઈ ધરમશીભાઈના પુત્ર અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, અહીં કેશુ બાપાને શ્રદ્ધાંજલિ માટે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેને હું બિરદાવું છું.
અશ્વિન પટેલે કહ્યું કે, અમારી એવી લાગણી છે કે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટને કેશુબાપાનું નામ આપવામાં આવે. આ બાબતે કુર્મી સેનાએ પણ એક ઠરાવ કર્યો છે. કુર્મી સેનાના સભ્ય જિજ્ઞેશ કાલાવડિયાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના સમગ્ર દેશમાં પાટીદારોનું નવરચિત સંગઠન છે. જેનો આજે સર્વપ્રથમ કાર્યક્રમ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ચોથી પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવ્યો છે. જેમાં કેશુબાપા સાથે કામ કરી ચૂકેલા રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પાટીદાર ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પક્ષના આગેવાનોને બોલાવી 'હમ સબ એક હે'નો સંદેશો આપવામાં આવ્યો હતો. આ તકે કેશુભાઈની વિશાળ પ્રતિકૃતિ સાથે સરદાર પટેલ અને છત્રપતિ શિવાજી મહારાજનાં કટઆઉટ જોવા મળ્યાં હતાં. કાર્યક્રમમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, મેયર નયનાબહેન પેઢડિયા, વલ્લભ કથીરિયા ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા ઉપરાંત આમ આદમી પાર્ટીના આગેવાન શિવલાલ બારસિયા સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus