ભુજઃ ભુજ તાલુકાના ખાવડા નજીક દિનારા ગામે રહેતા એક ખેડૂતે ખેતરનો સોદો કર્યા બાદ તે પેટે મળેલી રૂ. 1.40 કરોડ રકમ મળવાની ખુશી સહન ન થતાં હૃદયરોગનો હુમલો આવતાં મોત નીપજ્યું હતું.
ગુજરાતમાં વર્તમાનમાં હૃદયરોગના હુમલાથી મોતના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે કચ્છમાં વિપરીત ઘટના ઘટી હતી. કચ્છના ખાવડા ગામના દિનારા ગામના ખેડૂત હુસેન મામદે બાંધા કેમ્પ પાસે આવેલ પોતાની માલિકીની જમીન વેચી હતી. સાડા ત્રણ એકર જમીનનો તેમણે રૂ. 1.40 કરોડમાં સોદો કર્યો હતો, જે સોદાપેટેની રકમ તેમને ગુરુવારે ચૂકવાઈ હતી. રૂપિયા એક કરોડ ચાલીસ લાખ ચૂકવાતાં ખેડૂતની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો, જેની ખુશીમાં મોડી રાત્રે હૃદયરોગનો હુમલો આવતાં તેમનું મોત નીપજ્યું હતું.