એકતરફ વિક્રમ સંવતના નવા વર્ષ 2081નો પ્રારંભ થઇ રહ્યો છે તો ગ્રેગોરિયન પંચાગના વર્ષ 2024નો અંત હવે નજીકમાં છે પરંતુ છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુક્રેન – રશિયા યુદ્ધ અને છેલ્લા એક વર્ષથી ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા છદ્મ યુદ્ધનો અંત દેખાઇ રહ્યો નથી. વિશ્વમાં આ પહેલાં પણ દ્વિપક્ષીય યુદ્ધો લડાઇ ચૂક્યાં છે પરંતુ તેની આવરદા ઘણી ટૂંકી રહેતી હતી અને તેના પરિણામો ઝડપથી આવી જતાં હતાં. વર્તમાન સમયમાં ચાલી રહેલા બંને યુદ્ધનો અંત આવે તેવી ઉપરછલ્લી લાગણી તો દરેક દેશ વ્યક્ત કરી રહ્યાં છે પરંતુ એકબીજાના સાથીને સહાય કરીને પોતાના હિતો સાધવાની તક પણ જતી કરી રહ્યાં નથી.
આમ તો ઇઝરાયેલ હમાસ, હિઝબુલ્લાહ, હૂથી જેવા આતંકવાદી સંગઠનો સામે લડી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે પરંતુ તેની પાછળનો સીધો દોરીસંચાર ઇરાનના હાથમાં છે. 1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદ ઇઝરાયેલના કટ્ટર દુશ્મન બની રહેલા ઇરાને ઇઝરાયેલને તબાહ કરવાના મનસૂબાથી ઇઝરાયેલના પાડોશી દેશોમાં સક્રિય એવા હમાસ, હિઝબુલ્લા, હૂથી, ઇરાક અને યમનના શિયા ગેરિલાઓને પાળી પોષીને મોટા કરવામાં જરા પણ કસર બાકી રાખી નથી. 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયેલમાં હમાસના આતંકવાદી હુમલાને એક વર્ષ વીતી ગયું છે પરંતુ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ વિસ્તરી રહ્યું છે. હવે તો બંને દેશ વચ્ચે પૂર્ણ કક્ષાનું યુદ્ધ ફાટી નીકળે તેવી નોબત આવી ચૂકી છે.
જો વિશ્વની મહાસત્તાઓ ધારે તો આ યુદ્ધનો તાત્કાલિક અંત આવી શકે તેમ છે પરંતુ તેમની એવી કોઇ ઇચ્છા નથી. અમેરિકા આણિ મંડળી ઇઝરાયેલને તો રશિયા, ચીન અને ઉત્તર કોરિયા ઇરાનની પડખે રહીને આ યુદ્ધને વધુ વકરાવી રહ્યાં છે. અમેરિકા જેવો ખંધો દેશ વિશ્વમાં કોઇ નથી. તે તેના હિતો માટે બે માંકડાને લડાવી શકાય ત્યાં સુધી લડાવી મારવા હંમેશા તત્પર રહે છે. મીડલ ઇસ્ટમાં ઇરાનના વધતા પ્રભુત્વથી અમેરિકી હિતો જોખમાઇ રહ્યાં હોવાથી ઇઝરાયેલ દ્વારા ઇરાનને મહત્તમ નુકસાન પહોંચાડવાના ઇરાદા અંકલ સેમના છે.
એકતરફ અમેરિકા દ્વારા ઇઝરાયેલને મર્યાદાના પાઠ ભણાવવામાં આવે છે તો બીજીતરફ અબજો ડોલરનો શસ્ત્ર સરંજામ પણ અપાઇ રહ્યો છે. શિયા ઇરાન વિરોધી સુન્ની આરબ દેશોને પણ ઇરાનની પાંખો કદ પ્રમાણે વેતરાઇ જાય તેમાં જ રસ હોવાથી તેઓ આ મામલામાં માથુ મારી રહ્યાં નથી.
આમ મહાસત્તાઓના સ્વાર્થી હિતોના કારણે મીડલ ઇસ્ટમાં ચાલી રહેલો નરસંહાર અટકી રહ્યો નથી. આશા રાખીએ કે વિક્રમ સંવત 2081ના પ્રારંભે અને ઇસુના વર્ષ 2024ના અંત પહેલાં કોઇ ચમત્કાર આ યુદ્ધો અને નરસંહારનો અંત લાવે.....